• ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમાશે
  • આવતીકાલથી સીરિઝ શરૂ થશે
  • પ્રથમ 2 મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને અપાયો આરામ

વર્લ્ડકપ પહેલાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં કેપ્ટન રોહિત શર્મા અને રન મશીન વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વનડે સીરિઝની શરૂઆત થવાના એક દિવસ પહેલાં કોચ રાહુલ દ્રવિડે આ સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ દ્રવિડે કહ્યું કે, વર્લ્ડકપને ધ્યાનમાં રાખી વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.

રોહિત-કોહલી પ્રથમ 2 મેચ નહીં રમે

વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ 2 વનડે મેચ રમશે નહીં. જો કે, ત્રીજી વનડેમાં આ બંને ખેલાડી ટીમમાં સામેલ થશે. રાહુલ દ્રવિડે કહ્યું કે, આરામ આપવાનો નિર્ણય ખેલાડીઓ સાથે ચર્ચા કરીને લેવામાં આવ્યો છે. ટીમ ઈચ્છે છે કે, વર્લ્ડકપ પહેલાં આ બંન્ને ખેલાડી સંપૂર્ણપણે શારીરિક અને માનસિક રીતે ફિટ હોવા જોઈએ.

વેસ્ટ ઈન્ડીઝ સીરિઝમાં પણ અપાયો હતો આરામ

આ પહેલાં ગત મહિને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ રમવામાં આવેલી વનડે સીરિઝમાં પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીને છેલ્લી 2 મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. જો કે, રોહિત શર્મા એશિયા કપમાં તમામ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતા, પરંતુ વિરાટ કોહલીને બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો.

વિરાટ અને રોહિતને લઈ સવાલ

વર્લ્ડકપ પહેલાં આ બંન્ને ખેલડીઓના ઓછા વનડે મેચ રમવા પર સવાલ ઉભા થયા છે. વિરાટ કોહલીને દુનિયાના સૌથી ફિટ ક્રિકેટર ગણવામાં આવે છે. આમ છતાં આટલા મેચથી વિરાટ કોહલીને આરામ આપવામાં આવે છે. આટલું જ નહીં, ગત વર્ષે થયેલા T-20 વર્લ્ડકપ બાદથી રોહિત શર્મા અને વિરાટ કોહલી સૌથી નાના ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમ્યા નથી. T-20 આંતરરાષ્ટ્રીયમાં આ બંને ખેલાડીઓને ફરી તક મળશે કે નહીં, તેના પર પણ સવાલ ઉભા થયા છે.

  • Follow us on: