• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વનડે સીરિઝ
  • 3 મેચની સીરિઝનું કરવામાં આવ્યું આયોજન
  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં પણ સંજૂને ટીમમાં ન મળ્યું સ્થાન

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને સ્થાન આપવામાં આવ્યું નથી. જેથી હવે સોશિયલ મીડિયા પર ફેન્સનું કહેવું છે કે, સંજૂ સેમમનના પરત ફરવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જો કે, તાજેતરમાં એશિયા કપમાં સંજૂ સેમસન ટીમ ઈન્ડિયાનો રિઝર્વ વિકેટકીપર હતો, પરંતુ કેએલ રાહુલની વાપસી બાદ સંજૂ સેમસનની આશા પર પાણી ફરી વળ્યું હતું.

સંજૂ સેમસન હવે વાપસી કરી શકશે?

હવે ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ આ ટીમમાં વિકેટકીપર તરીકે ઈશાન કિશન અને કેએલ રાહુલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પહેલાં એશિયા કપમાં ઈશાન કિશન અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. ઈશાન કિશને પાકિસ્તાન સામેની લીગ મેચમાં નિર્ણાયક સમયે શાનદાર ઈનિંગ રમી હતી. જે બાદ કેએલ રાહુલે પાકિસ્તાન વિરુદ્ધ સુપર-4 રાઉન્ડની મેચમાં અણનમ સદી ફટકારી હતી. જેથી ઈશાન કિશન અને કેએલ રાહુલના પ્રદર્શનને જોતા સંજૂ સેમસન માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી હવે સરળ રહેશે નહીં..

આવું રહ્યું સંજૂ સેમસનનું કરિયર

સંજૂ સેમસનના વનડે કરિયર પર નજર કરવામાં આવે તો, આ વિકેટકીપર બેટ્સમેન ભારતીય ટીમ માટે 13 મેચ રમ્યો છે. સંજૂએ આ 13 વનડે મેચમાં 390 રન બનાવ્યા છે. જેમાં સંજૂ સેમસનની સરેરાશ 55.71 હતી જ્યારે તેની સ્ટ્રાઈક રેટ 104.0 હતી. જો કે, અત્યાર સુધી સંજૂ સેમસન વનડે ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી, પરંતુ આ ખેલાડીએ ત્રણ વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. આ ઉપરાંત સંજૂ સેમસને 24 T-20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે IPLની 152 મેચ રમી છે. સંજૂ સેમસને IPLની મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મેચોમાં સંજૂ સેમસન IPLની સિદ્ધિનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યો છે.

  • Follow us on: