- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે 3 વનડે મેચની સીરિઝ
- સીરિઝ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત
- ભારતીય સ્ક્વોડ અંગે રોહિત શર્માએ આપ્યું નિવેદન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વનડે મેચની સીરિઝની પ્રથમ 2 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમનું નૈતૃત્વ વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ કરશે. આ સાથે રવિચંદ્રન અશ્વિનની વનડે ટીમમાં વાપસી થઈ છે, જ્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને પ્રથમ 2 મેચમાં આરામ આપવામાં આવ્યો છે, ત્યારે ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની જાહેરાત બાદ રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે.
રોહિત શર્માએ ટીમ સિલેક્શન પર શું કહ્યું?
રોહિત શર્માએ કહ્યું કે, અમે અમારૂં બેસ્ટ પ્રદર્શન કરશું. અમારો પ્રયાસ છે કે, તમામને તક આપવામાં આવે. કારણ કે, અમે જાણીએ છીએ કે, જો એક જ પ્લેઈંગ ઈલેવન સાથે રમશું તો બેંચ સ્ટ્રેંથ બનાવી શકશું નહીં. સાથે જ ભારતીય કેપ્ટને કહ્યું કે, આગામી વર્લ્ડકપમાં 11 મેચ રમવાની છે. આ વાતનો અમારે ખ્યાલ રાખવો પડશે.
ત્રીજી મેચમાં વિરાટ-રોહિત કરશે વાપસી
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વનડે મેચની સીરિઝ રમશે. આ સીરિઝની પ્રથમ 2 મેચમાં રોહિત શર્મા રમશે નહીં, જ્યારે ત્રીજી મેચમાં રોહિત શર્મા વાપસી કરશે. સાથે ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝની પ્રથમ 2 મેચમાં અક્ષર પટેલ પણ હશે નહીં, પરંતુ જો તે ફિટ થશે, તો ત્રીજી વનડે મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ સંપૂર્ણ ફિટ નથી. જેથી તે શ્રીલંકા વિરુદ્ધ એશિયા કપની ફાઈનલ મેચમાં પણ રમ્યો નહતો.