- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર
- પ્રથમ 2 મેચમાં કોહલી,રોહિત,હાર્દિકને અપાયો આરામ
- આર.અશ્વિનની ટીમમાં ફરી વાપસી થઈ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 22 સપ્ટેમ્બરથી શરૂ થનારી 3 વનડે મેચની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામા આવી છે. પ્રથમ 2 મેચમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. આ સીરિઝમાં ટીમનું નૈતૃત્વ કેએલ રાહુલ કરશે. સાથે આ સીરિઝમાં આર.અશ્વિનની વાપસી થઈ છે.
પ્રથમ 2 મેચમાં સીનિયર ખેલાડીઓને અપાયો આરામ
વર્લ્ડકપ જેવી મોટી ઈવેન્ટને ધ્યાનમાં રાખી BCCIએ પ્રથમ 2 વનડેમાં સીનિયર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ એ વાત પણ સામે આવી કે, વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર થઈ શકે છે. અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો છે. જેથી સિલેક્ટર્સને રિપ્લેસમેન્ટ પર વિચાર કરવો પડ્યો છે. આર.અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. જેથી આ બંને ખેલાડીઓને 3 વનડે માટે ટીમમાં રાખવામાં આવ્યો છે.
ઋતુરાજને 2 વનડે મેચમાં મળ્યું સ્થાન
આ ઉપરાંત સિલેક્ટર્સે ઋતુરાજ ગાયકવાડને પ્રથમ 2 વનડે માટે ટીમમાં સ્થાન આપ્યું છે. તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ પ્રથમ 2 વનડે માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ આ ત્રણેય ખેલાડીઓને ત્રીજી વનડે મેચમાં જોવા મળશે નહીં. જો કે, સંજૂ સેમસનને એક પણ મેચમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જેનાથી એ સ્પષ્ટ છે કે, સંજૂ સેમસન માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ થઈ ગયા છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે 3 વનડે મેચ
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વનડે મેચ રમશે. પ્રથમ વનડે 22 સપ્ટેમ્બરે રમવામાં આવશે, જ્યારે બીજી વનડે મેચ 24 સપ્ટેમ્બરે રમવામાં આવશે. સાથે સીરિઝની છેલ્લી અને અંતિમ મેચ 27 સપ્ટેમ્બરે રમવામાં આવશે.
પ્રથમ 2 વનડે માટે ટીમ-
કેએલ રાહુલ(કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા(ઉપ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, આર.અશ્વિન, વોશિંગ્ટન સુંદર.
ત્રીજી વનડે માટે ટીમ-
રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા(ઉપ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, આર.અશ્વિન, વોશિંગ્ટન સુંદર.