- ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે વનડે સીરિઝ
- 3 મેચની વનડે સીરિઝ રમશે બંને ટીમ
- સીરિઝ માટે આજે ભારતીય ટીમની થઈ શકે જાહેરાત
એશિયા કપના ખિતાબને 8મી વખત પોતાના નામે કર્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ દેશ પરત આવ્યા છે. હવે ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડકપ શરૂ થયા પહેલાં ઘરેલૂ જમીન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની સીરિઝ રમશે. 22 સપ્ટેમ્બરેથી શરૂ થનારી આ સીરિઝ માટે આજે કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય સિલેક્ટર અજીત અગરકર ટીમની જાહેરાત કરી શકે છે.
અમુક ખેલાડીઓને આપવામાં આવશે આરામ
વનડે વર્લ્ડકપ પહેલાં થનારી આ સીરિઝને લઈ અમુક મુખ્ય ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. સાથે તમામની નજર અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરની ફિટનેસ પર પણ છે. એશિયા કપ 2023માં અક્ષર પટેલ સુપર-4ની અંતિમ મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તે ફાઈનલ મેચ રમી શક્યો નહતો.
શ્રેયસ અય્યર પણ થયો ઈજાગ્રસ્ત
શ્રેયસ અય્યર પણ પીઠની સમસ્યાને લઈ ગ્રુપ મેચ બાદ કોઈ મેચ રમ્યો નહતો. આ બંને ખેલાડી વનડે વર્લ્ડકપ માટે જાહેર ટીમનો ભાગ છે. જેથી આજની પત્રકાર પરિષદમાં આ બંને ખેલાડીની ફિટનેસને લઈ પણ સ્થિતિ સ્પષ્ટ થવાની આશા છે.
વોશિંગ્ટન સુંદર બની શકે છે અક્ષર પટેલનો વિકલ્પ
અક્ષર પટેલ જો વર્લ્ડકપ માટે ફિટ નહીં થાય તો તેના વિકલ્પ તરીકે વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં પણ સુંદરને તક આપવામાં આવી શકે છે. જેનાથી તે વર્લ્ડકપ માટે સંપૂર્ણ તૈયાર થઈ શકશે. આ ઉપરાંત ટીમમાં અન્ય કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના દેખાતી નથી. ટીમ ઈન્ડિયા આ સીરિઝની પ્રથમ મેચ મોહાલીમાં જ્યારે 24 અને 27 સપ્ટેમ્બરે સીરિઝની અંતિમ 2 મેચ ઈંદોર અને રાજકોટના મેદાન પર રમશે.