- આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T-20 મેચ
- છત્તીસગઢના રાયપુરમાં બંને ટીમ આવશે આમને-સામને
- મેચ પહેલાં સ્ટેડિયમનું લાઈટ જોડાણ કાપવામાં આવ્યું
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સીરિઝ ચાલી રહી છે. આ સીરિઝની ચોથી મેચ રાયપુરના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે એટલે કે 1 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે, પરંતુ હવે મેચ શરૂ થઈ શકશે કે નહીં તે અંગે સમસ્યા ઉભી થઈ છે. કારણ કે, રાયપુર ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ શરૂ થવાના થોડા કલાકો પહેલા જ વીજળી કપાઈ ગઈ છે. તેનું કારણ સ્ટેડિયમનું બાકી વીજળીનું બિલ હોવાનું કહેવાય છે.
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા વીજળી કાપવામાં આવી
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સ્થિત આ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમનું પૂરું નામ શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે. આ મેદાન અનેક આંતરરાષ્ટ્રીય મેચોની યજમાની કરી ચૂક્યું છે અને આજે તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી T20 મેચની યજમાની માટે પણ તૈયાર છે, પરંતુ તે પહેલા આ મેદાનને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. સાંજે 7 વાગે શરૂ થનારી મેચના થોડા કલાકો પહેલા આ મેદાનની વીજળી કાપી નાખવામાં આવી છે. કારણ કે, છેલ્લા 5 વર્ષમાં વીજળીનું બિલ જમા નથી થયું જે હવે વધીને 3.16 કરોડ રૂપિયા થયું છે.
3.16 કરોડનું લાઈટ બિલ બાકી
આ સ્ટેડિયમ પર 3.16 કરોડ રૂપિયાનું બિલ બાકી છે. જેના કારણે 5 વર્ષ પહેલા સ્ટેડિયમનું વીજળી કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. જે બાદ છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની વિનંતી પર એક અસ્થાયી જોડાણ સ્થાપિત કરવામાં આવ્યું હતું, પરંતુ તે માત્ર દર્શકોની ગેલેરી અને પેવેલિયન બોક્સને આવરી લેતું હતું. આ કારણે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી T20 મેચ દરમિયાન ફ્લડલાઈટને જનરેટરથી ઓપરેટ કરવી પડશે.
3 કરોડથી વધુનું વીજ બિલ બાકી
રાયપુર ગ્રામીણ વિભાગના પ્રભારી અશોક ખંડેલવાલે જણાવ્યું કે, ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીએ સ્ટેડિયમના કામચલાઉ જોડાણની ક્ષમતા વધારવા માટે અરજી કરી છે. 2018માં આ સ્ટેડિયમમાં ત્યારે હોબાળો થયો જ્યારે હાફ મેરેથોનમાં ભાગ લેનારા એથ્લેટ્સને ખબર પડી કે સ્ટેડિયમમાં વીજળી નથી. તે પછી કહેવામાં આવ્યું કે 2009થી વીજળીનું બિલ ચૂકવવામાં આવ્યું ન હતું, જે વધીને 3.16 કરોડ રૂપિયા થઈ ગયું હતું,
અનેક વખત મોકલવામાં આવી નોટિસ
જો કે, 2023માં પણ 2018ની સ્થિતિમાં સુધારો થયો નથી. આ સ્ટેડિયમના નિર્માણ પછી તેની જાળવણી જાહેર બાંધકામ વિભાગ (PWD)ને સોંપવામાં આવી હતી, જ્યારે બાકીનો ખર્ચ રમતગમત વિભાગે ઉઠાવવાનો હતો. વીજ બિલ ન ભરવા માટે બંને વિભાગો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. વીજ કંપનીએ PWD અને રમતગમત વિભાગને અનેક વખત બાકી બિલોની ચૂકવણી માટે નોટિસ મોકલી હતી, પરંતુ હજુ સુધી કોઈ ચૂકવણી કરવામાં આવી નથી.