• આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T-20 મેચ
  • પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમની થઈ છે જીત
  • ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયાએ પોતાના નામે કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 સીરિઝની ચોથી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ શુક્રવારે રમાશે. ભારતે શરૂઆતી 2 મેચમાં જીતી હતી. જે બાદ ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. ટીમ ઈન્ડિયા હવે સીરિઝ પર કબ્જો કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ રાયપુરમાં પ્રથમ વખત T-20 મેચ રમશે.

ન્યૂઝીલેન્ડ 108માં ઓલઆઉટ થયું હતું

ટીમ ઈન્ડિયા રાયપુરમાં પ્રથમ વખત T-20 મેચ રમશે. આ પહેલાં અહીં માત્ર 1 વનડે મેચ રમાઈ છે. આ મેચ ભારતે જીતી હતી. જાન્યુઆરી 2023માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાયપુરમાં વનડે મેચ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને ઓલઆઉટ થવા સુધી 108 રન બનાવ્યા હતા. જેમાં ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. ટીમના મોટાભાગના ખેલાડી આ મેચમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહતા.

મોહમ્મદ શમીએ લીધી હતી 3 વિકેટ

ટીમ ઈન્ડિયા માટે બોલિંગ કરીને મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરને 2-2 વિકેટ મળી હતી. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝ, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.

ભારતીય ટીમે 8 વિકેટે જીતી હતી મેચ

ન્યૂઝીલેન્ડે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ ફિફ્ટી લગાવી હતી. તેમણે 50 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ સાથે શુભમન ગિલ 40 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિરાટ કોહલી 11 રન બનાવીને આઉટ થયો હતો અને ઈશાન કિશને 8 રનનું યોગદાન આપ્યું હતું. આ પ્રકારે ભારતે 8 વિકેટે મેચ જીતી હતી.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં ભારત 2-1થી આગળ

ઉલ્લેખનીય છે કે, 5 મેચની સીરિઝની પ્રથમ મેચ ભારતે 2 વિકેટે જીતી હતી. બીજી મેચ 44 રને જીતી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાએ સીરિઝમાં શાનદાર વાપસી કરી હતી. ગુવાહાટીમાં રમવામાં આવેલી મેચ ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે જીતી હતી. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1 ડિસેમ્બરે મેચ રમવામાં આવશે. જે બાદ 3 ડિસેમ્બરે છેલ્લી મેચ રમવામાં આવશે

  • Follow us on: