• મેક્સવેલની તોફાની બેટીંગ
  • ઋતુરાજની ઇનિંગ ગઇ એળે
  • ભારત સીરીઝમાં 2-1 થી આગળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 T20 સીરીઝની ત્રીજી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. મેક્સવેલે અણનમ સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતે આપેલા 223 રનના ટાર્ગેટને 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. યશસ્વી જયસ્વાલ 6 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી ઈશાન કિશન પણ ખાતું ખોલાવ્યા વગર જ નીકળી ગયો હતો. અહીંથી ટીમના સંચાલનની જવાબદારી સૂર્યકુમાર યાદવ અને ઋતુરાજ ગાયકવાડની હતી.

ગાયકવાડની T20Iમાં પ્રથમ સદી

ગાયકવાડ અને સૂર્યકુમારે સારી બેટિંગ કરી હતી. સૂર્યા તેજ રહ્યો હતો અને 29 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. જો કે, આની અસર રૂતુરાજની બેટિંગ પર પડી ન હતી અને તે તેની ફિફ્ટી ફટકાર્યા બાદ વધુ ઝડપી બન્યો હતો. તેમને સાથ આપવા માટે તિલક વર્મા પણ ક્રિઝ પર ટકી રહ્યો હતો. ગાયકવાડે શાનદાર પ્રદર્શન કર્યું અને છેલ્લી ઓવરમાં મેક્સવેલને નિશાન બનાવ્યો. મેક્સવેલની છેલ્લી ઓવરમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી ઓવરમાં કુલ 30 રન આવ્યા હતા. ઋતુરાજે છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. તે 57 બોલમાં 13 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 123 રન બનાવીને પરત ફર્યો હતો. ટીમ તિલક વર્મા 31 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ટીમનો સ્કોર 3 વિકેટે 222 રન હતો.

ઓસ્ટ્રેલિયાની સારી શરૂઆત

બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત શાનદાર રહી હતી. ટ્રેવિસ હેડ અને હાર્ડીએ સાથે મળીને શાનદાર બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પાંચમી ઓવરમાં જ પચાસ રન પૂરા કર્યા હતા પરંતુ તે પહેલા હાર્ડિ 16 રનના અંગત સ્કોર પર અર્શદીપના હાથે આઉટ થયો હતો. તેના પછી ટ્રેવિસ હેડને આવેશ ખાન 35 રન બનાવી આઉટ કર્યો હતો. ઇંગ્લિશ 10 રન બનાવી રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો.

મેક્સવેલ અને સ્ટોઇનિસે મળીને ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. દરમિયાન, સ્ટોઇનિસને અક્ષર પટેલે આઉટ કર્યો હતો, તે 17 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી ટિમ ડેવિડ ગોલ્ડન ડક પર રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો. એક છેડેથી રન બનાવતા મેક્સવેલે હાર માની ન હતી.

ઓસ્ટ્રેલિયાની છેલ્લા બોલે જીત

મેક્સવેલે એકલા હાથે ઓસ્ટ્રેલિયાને મેચમાં જીત અપાવી હતી. આક્રમક બેટિંગ કરતાં તે 47 બોલમાં પોતાની સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 23 રન આપ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 225 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેક્સવેલે અણનમ 104 રન બનાવ્યા હતા. મેથ્યૂ વેડે અણનમ 28 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા હજુ પણ શ્રેણીમાં 2-1થી પાછળ છે.

  • Follow us on: