- ભારત પાસે રેકોર્ડ પોતાના નામે કરવાનો મોકો
- તિરૂવનંતપુરમમાં રમાઇ બીજી મેચ
- યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગે ફેન્સને કર્યા ખુશ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની T20I સીરીઝ રમાઇ રહી છે. જેમાંથી ભારતે 2-0થી લીડ મેળવી લીધી છે. સીરીઝની બીજી મેચ તિરૂવનંતપુરમમાં રમાઇ હતી જેમાં ભારતે 44 રને જીત મેળવી 2-0થી લીડ હાંસલ કરી છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 235 રન બનાવ્યા જેની સામે ઓસ્ટ્રેલિયા 191 રન જ બનાવી શકી. આ જીત સાથે ભારતીય ટીમે T20ના ઇતિહાસમાં સૌથી વધુ મેચ જીતવાના રેકોર્ડની બરાબરી કરી છે.
ભારતે ઓછી મેચમાં રેકોર્ડની બરાબરી કરી
ઉલ્લેખનિય છેકે T20I ફોર્મેટના ઇતિહાસમાં અત્યારસુધી સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. પાકિસ્તાની ટીમે અત્યારસુધી 235 T20I મેચ રમી છે જેમાંથી 135 મેચમાં જીત મેળવી છે. બીજી તરફ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી મેચમાં હરાવી પાકિસ્તાનના આ રેકોર્ડની બરાબરી કરી દીધી છે.
જોકે પાકિસ્તાને 135 T20I મેચ જીતવા માટે 256 મેચ રમી હતી જ્યારે ભારતે ફક્ત 209 મેચમાં જ આ આંકડો હાંસલ કરી લીધો હતો. જો આગામી મેચમાં ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી દે છે તો પાકિસ્તાનને પાછળ છોડી ભારતીય ટીમ વિશ્વમાં સૌથી વધુ T20I મેચ જીતનાર ટીમ બની જશે.
બીજી મેચમાં ભારતનુ પ્રદર્શન
રવિવારે એટલે કે 26 નવેમ્બરે રમાયેલી T20I સીરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલે 25 બોલમાં 53 રન બનાવી ઓપનિંગ બેટ્સમેને ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી. આ ઉપરાંત ઇશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડે પણ ફિફ્ટી મારી હતી. છેલ્લે ફિનિશર રિંકુ સિંહે એકવાર ફરી ટીમ માટે શાનદાર બેટીંગ કરી 9 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ ભારતીય બોલરો પણ પાછા રહ્યાં ન હતા. રવિ બિશ્નોઇ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ 3-3 વિકેટ ખેરવી હતી જેથી ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.