- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શુભમન ગિલ શાનદાર ફોર્મમાં
- શુભમન ગિલે શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો
- 35 વનડે ઈનિંગમાં ગિલે ફટકારી 6 સદી
ભારતીય ટીમના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલનું અત્યાર સુધી વર્ષ 2023માં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. એશિયા કપ 2023માં સૌથી વધુ રન બનાવ્યા બાદ ગિલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝની શરૂઆતી 2 મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગિલે પ્રથમ વનડેમાં 74 રનની ઈનિંગ રમી હતી. સાથે ઈંદોરમાં રમવામાં આવેલી બીજી વનડે મેચમાં ગિલે 104 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ગિલની આ વનડે કરિયરમાં છઠ્ઠી સદી હતી.
શુભમન ગિલે ફટકારી 6 સદી
શુભમન ગિલ અત્યાર સુધી ભારત માટે વનડેમાં સૌથી ઓછી ઈનિંગમાં 6 સદી ફટકારનારો ખેલાડી બન્યો છે. ગિલે પોતાની 35મી વનડે ઈનિંગમાં આ કારનામું કર્યું છે. આ પહેલાં આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો. જેમણે 46 વનડે ઈનિંગમાં 6 સદી ફટકારી હતી. આ ઉપરાંત કેએલ રાહુલે 53 અને વિરાટ કોહલીએ 61 ઈનિંગમાં 6 સદી પૂર્ણ કરી હતી.
શુભમન ગિલે બનાવ્યા 1 હજાર 230 રન
વર્ષ 2023માં શુભમન ગિલે અત્યાર સુધી 20 ઈનિંગમાં 72.35ની એવરેજથી 1 હજાર 230 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 5 સદી અને 5 ફિફ્ટી ફટકારી છે. ગિલ 3 વખત અણનમ પણ રહ્યો છે. ગિલે આ વર્ષના શરૂઆતમાં વનડેમાં પોતાની પ્રથમ બેવળી સદી ફટકારી હતી.
સચિનનો રેકોર્ડ તોડી શકે છે ગિલ
વનડે ફોર્મેટમાં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અત્યાર સુધી સચિન તેંડુલકરના નામે છે. તેમણે વર્ષ 1998માં 33 વનડે ઈનિંગમાં 65.31ની એવરેજથી 1 હજાર 894 રન બનાવ્યા હતા. આ વર્ષે સચિને 9 સદી અને 7 ફિફ્ટી ફટકારી હતી. હવે ગિલ સચિનના 25 વર્ષ જુના આ રેકોર્ડને તોડી શકે છે. આ રેકોર્ડ તોડવા માટે ગિલને માત્ર 664 રનની જરૂર છે. ગિલને હજુ વર્લ્ડકપમાં 9 મેચ રમવાની તક મળશે. આ ઉપરાંત આ વર્ષના અંતમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારત 3 મેચની વનડે સરિઝ પણ રમશે.