- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડેમાં ભારતની જીત
- ભારતે સીરિઝ પર 2-0થી મેળવી લીડ
- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે બનાવ્યા અનેક રેકોર્ડ
ઈંદોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવેલી બીજી વનડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવીને શાનદાર જીત પોતાના નામે કરી છે. આ જીત સાથે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની વર્લ્ડકપ જીતવાની આશામાં વધારો થયો છે. ભારતીય ટીમ અત્યારે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સારૂં પ્રદર્શન કરી રહી છે. બીજી વનડે મેમચાં શ્રેયસ અય્યરના 105, શુભમન ગિલના 104, સૂર્યકુમાર યાદવના 72 અને કેએલ રાહુલના 52 રનની મદદથી ભારતે 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને વરસાદના કારણે 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન 217 રન પર ઓલઆઉટ થઈ ગયા હતા. આ જીત સાથે ભારતીય ટીમે વિવિધ 7 રેકોર્ડ બનાવ્યા છે.
ગિલે બનાવ્યા અનેક રેકોર્ડ
શુભમન ગિલે 104 રનની ઈનિંગ રમીને શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો છે. ગિલે 35 ઈનિંગમાં સૌથી વધુ 6 સદી ફટકારી છે. આ પહેલાં શિખર ધવને 46 વનડે ઈનિંગમાં 6 સદી ફટકારી હતી. ગિલે આ મેચમાં એક બીજું કારનામું પણ કર્યું છે. ગિલે એક વર્ષમાં 5 વનડે સદી ફટકારનારા બેટ્સમેનની યાદીમાં નામ નોંધાવ્યું છે. આ પહેલાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને સચિન તેંડુલકર આ કારનામું કરી ચૂક્યા છે. આ સાથે જ ગિલ 24 વર્ષની ઉંમરમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી બનાવનારો ત્રીજો બેટ્સમેન બન્યો છે. ગિલ પહેલાં 24 વર્ષની ઉંમરે સચિન તેંડુલકરના નામે 24 અને વિરાટ કોહલીના નામે 19 સદી છે.
સૂર્યકુમાર યાદવે ફટકારી ફિફ્ટી
આ મેચમાં સૂર્યકુમાર યાદવે 24 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ સૂર્યા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઝડપી ફિફ્ટી બનાવનારો બેટ્સમેન બન્યો છે. સાથે જ ભારતે સીરિઝ જીતીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમ ઘરેલૂ મેદાન પર 51 દ્વિપક્ષીય સીરિઝ જીતનારી ટીમ બની ગઈ છે. આ કારનામું હજુ બીજી કોઈ ટીમ કરી શકી નથી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ
આ મેચમાં ભારતીય ટીમ એકદિવસીય ક્રિકેટમાં 3 હજાર સિક્સ લગાવનારી ટીમ બની છે. ભારતીય ટીમ માટે સૌથી વધુ 286 સિક્સ કેપ્ટન રોહિત શર્માએ ફટકારી છે. સાથે આ મેચમાં ભારતીય ટીમે 18 સિક્સ ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી મોટો સ્કોર
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે અત્યાર સુધીનો સૌથી મોટો 399 રનનો સ્કોર બનાવ્યો છે. આ પહેલાં 2013માં ભારતીય ટીમે 6 વિકેટના નુકસાને 383 રન બનાવ્યા હતા અને 2019માં 358 રન બનાવ્યા હતા. સાથે જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2009માં 354 અને 2020માં 340 રન બનાવ્યા હતા.
રવિચંદ્રન અશ્વિને કુંબલેનો રેકોર્ડ તોડ્યો
રવિચંદ્રન અશ્વિને આ મેચમાં અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો છે. અશ્વિન ભારત માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ 144 વિકેટ લેનારો બોલર બન્ચો છે. આ પહેલાં આ રેકોર્ડ કુંબલેના નામે હતો. કુંબલેએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 142 વિકેટ લીધી હતી. કોઈ એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ વિકેટ લેવાના લિસ્ટમાં કપિલ દેવનું નામ પણ છે. કપિલ દેવે પાકિસ્તાન વિરુદ્ધ 141 વિકેટ લીધી છે. કુંબલેએ પણ પાકિસ્તાન વિરુદ્ધ 135 વિકેટ લીધી છે.