- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડેમાં ભારતની જીત
- પ્રથમ વનડે મેચમા ંપણ ભારતીય ટીમ જીતી હતી
- બીજી વનડેમાં અશ્વિને તોડ્યો કુંબલેનો રેકોર્ડ
ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરીને ઈંદોરમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાની આ જીતમાં બેટિંગ સાથે બોલર્સે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. સ્પિનર રવિચંદ્રન અશ્વિને 7 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી છે. તેમણે આ મેચ દરમિયાન એક ખાસ રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. અશ્વિન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. આ મેચમાં શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. સાથે આ જીત સાથે ભારતીય ટીમ સીરિઝમાં 2-0થી આગળ થઈ છે.
અશ્વિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 144 વિકેટ લીધી
ભારત માટે બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે હતો. કુંબલેએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 142 વિકેટ લીધી છે, જ્યારે રવિચંદ્રન અશ્વિને 144 વિકેટ લઈને કુંબલેનો આ રેકોર્ડ તોડ્યો છે. કોઈ એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ વિકેટ લેવાના લિસ્ટમાં કપિલ દેવનું નામ પણ છે. કપિલ દેવે પાકિસ્તાન વિરુદ્ધ 141 વિકેટ લીધી છે. કુંબલેએ પણ પાકિસ્તાન વિરુદ્ધ 135 વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલિયા 217 રને ઓલઆઉટ
ઉલ્લેખનીય છે કે, ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વનડે મેચની સીરિઝમાં 2-0થી લીડ મેળવી છે. પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમની 5 વિકેટે જીત થઈ હતી, જ્યારે બીજી વનડે મેચમાં ભારતની 99 રને જીત થઈ હતી. બીજી વનડેમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 5 વિકેટના નુકસાને 399 રન બનાવ્યા હતા. જેમાં શુભમન ગિલે 104 અને શ્રેયસ અય્યરે 105 રનની ઈનિંગ રમી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 217 રન પર ઓલઆઉટ થઈ હતી.
અશ્વિને 41 રન આપીને 3 વિકેટ લીધી
ભારત માટે અશ્વિને 7 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી હતી. સાથે રવિન્દ્ર જાડેજાએ 5.2 ઓવરમાં 42 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણાએ 6 ઓવરમાં 56 રન આપીને 2 વિકેટ લીધી હતી.