• ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ
  • બીજી વનડેમાં શુભમન ગિલે ફટકારી સદી
  • પ્રથમ મેચમાં ગિલે બનાવ્યા હતા 74 રન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંદોરમાં રમાતી બીજી વનડે મેચમાં શુભમન ગિલે શાનદાર સદી ફટકારી છે. ગિલે 92 બોલમાં પોતાના 100 રન પૂર્ણ કર્યા છે. આ ઈનિંગમાં ગિલે 6 ફોર અને 4 સિક્સ પણ ફટકારી છે. આ પહેલાં મોહાલીમાં રમવામાં આવેલી વનડે મેચમાં પણ ગિલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોહાલીમાં ગિલે 63 બોલ પર 74 રનની ઈનિંગ રમી હતી. જો કે, એ સમયે ગિલ સદી પૂર્ણ કરી શક્યો નહતો, પરંતુ આજે ગિલે પોતાના વનડે કરિયરની છઠ્ઠી સદી ફટકારી છે. સાથે ગિલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ પ્રથમ સદી ફટકારી છે.

વનડેમાં છઠ્ઠી સદી ફટકારી

ગિલે 35મી વનડેની 35મી ઈનિંગમાં છઠ્ઠી સદી ફટકારી છે. અત્યાર સુધી વનડેમાં ગિલે 1 હજાર 900 રનનો આંકડો પાર કર્યો છે. આ સાથે ગિલ વનડેની 35 ઈનિંગ બાદ સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન પણ બની ગયો છે. આ સદી સાથે ગિલે આ વર્ષે વનડેમાં 1 હજાર 200 રનનો આંકડો પાર કર્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ ગિલની પ્રથમ સદી છે. આ પહેલાં તેમણે તાજેતરમાં એશિયા કપ 2023માં બાંગ્લાદેશ વિરુદ્ધ સદી ફટકારી હતી. ગિલની આ 6 વનડે સદીમાં એક બેવળી સદી પણ સામેલ છે.

અત્યાર સુધી ગિલનું આંતરરાષ્ટ્રીય કરિયર આવું રહ્યું

ગિલ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમનારો ખેલાડી છે. ગિલ અત્યાર સુધી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 18 ટેસ્ટ, 35 વનડે અને 11 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. ટેસ્ટની 33 ઈનિંગમાં ગિલે 32.3ની એવરેજથી 966 રન બનાવ્યા છે. જેમાં ગિલે 2 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે. સાથે વનડેમાં ગિલે 1 હજાર 900 રન બનાવ્યા છે. આ ઉપરાંત T-20 આંતરરાષ્ટ્રીયમાં ગિલે 11 ઈનિંગમાં 30.4ની એવરેજ અને 146.86ની સ્ટ્રાઈક રેટથી 304 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 1 ફિફ્ટી સામેલ છે. આ ઉપરાંત ગિલે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે.

  • Follow us on: