• ભારતે પ્રથમ T-20 મેચમાં મેળવી જીત
  • 19.5 ઓવરમાં ભારતે મેચમાં મેળવી જીત
  • સૂર્યકુમાર યાદવને મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ

ભારતે ઓસ્ટ્રેલિયાને T-20 સીરિઝની પ્રથમ મેચમાં 2 વિકેટે હરાવ્યું છે. વિશાખાપટ્ટનમમાં રમવામાં આવેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે એક બોલ બાકી રહેતા મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. સૂર્યાએ આ મેચમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે.

સૂર્યા 13મી વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો

સૂર્યકુમાર T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીતવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ મામલે રોહિતને પાછળ છોડી દીધો છે. રોહિતે 12 ટાઇટલ જીત્યા છે, જ્યારે સૂર્યાએ 13 એવોર્ડ જીત્યા છે. આ મામલે વિરાટ કોહલી ટોપ પર છે. કોહલીએ 15 ટાઇટલ જીત્યા છે. મોહમ્મદ નબી બીજા નંબર પર છે. નબીએ આ એવોર્ડ 14 વખત જીત્યો છે. દિલચસ્પ વાત એ છે કે, સૂર્યાએ સૌથી ઓછી મેચ રમી છે. તેણે 54 મેચમાં 13 વખત આ ખિતાબ જીત્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 208 રન બનાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023ની ફાઈનલ બાદ પ્રથમ વખત ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો એકબીજા સામે મેદાનમાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 208 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથે 54 રનની ઈનિંગ રમી હતી અને જોશ ઈંગ્લિશએ સદી ફટકારી હતી. તેણે 110 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 8 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ દરમિયાન સૂર્યકુમારે 42 બોલમાં 80 રન બનાવ્યા હતા. તેણે 9 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. ઈશાન કિશને પણ ફિફ્ટી ફટકારી હતી. તેણે 58 રન બનાવ્યા હતા.

છેલ્લી મેચ 3 ડિસેમ્બરે રમાશે

તમને જણાવી દઈએ કે, ભારતે 5 મેચોની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે સીરિઝની બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. આ પછી ત્રીજી મેચ 28 નવેમ્બરે અને ચોથી મેચ 1 ડિસેમ્બરે રમાશે. આ સીરિઝની છેલ્લી મેચ 3 ડિસેમ્બરે રમાશે.

  • Follow us on: