- વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે T-20 સીરિઝ
- બંને દેશ વચ્ચે 5 મેચની સીરિઝ રમાશે
- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં ભારતીય ટીમમાં જોવા મળશે ફેરફાર
ભારતની જમીન પર ક્રિકેટ વર્લ્ડકપ 2023ની મેચો રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. જે બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે T-20 મેચની સીરિઝ રમશે. બંને ટીમો વચ્ચે 5 T-20 મેચ રમાશે, પરંતુ આ સીરિઝમાં ભારતીય ટીમના લગભગ તમામ મોટા ખેલાડીઓને બ્રેક આપવામાં આવશે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ પણ બ્રેક પર રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની T-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હશે, જ્યારે રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે જોવા મળશે.
આ ખેલાડીઓને મળશે તક
મળતી માહિતી મુજબ, પહેલાં પણ આવું અનેક વખત બન્યું છે, જ્યારે રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં વીવીએસ લક્ષ્મણે કોચની ભૂમિકા ભજવી હોય. રાહુલ દ્રવિડ વર્લ્ડકપ બાદ બ્રેક પર રહેશે. આ સમયગાળા દરમિયાન વીવીએસ લક્ષ્મણ કોચની જવાબદારી નિભાવશે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ઉપરાંત યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઉમરાન મલિક અને રિંકૂ સિંહ જેવા ખેલાડીઓને ભારત-ઓસ્ટ્રેલિયા T-20 સીરિઝમાં તક મળશે.
ભારત-ઓસ્ટ્રેલિયા T20 સીરિઝનું શિડ્યૂલ શું છે?
વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચની સીરિઝ રમાઈ હતી. આ પછી બંને ટીમ વર્લ્ડકપમાં રમી રહી છે. આ ટૂર્નામેન્ટ પછી બંને ટીમો વચ્ચે T20 સીરિઝ રમશે. આ સીરિઝની પ્રથમ મેચ 23 નવેમ્બરે, જ્યારે બીજી મેચ 26 નવેમ્બરે ત્રિવેન્દ્રમમાં રમાવાની છે. સીરિઝની ત્રીજી T20 મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં અને ચોથી T20 મેચ 1 ડિસેમ્બરે નાગપુરમાં રમાશે. આ સીરિઝની છેલ્લી મેચ 3 ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાવાની છે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.