ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની લગભગ બે વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી થઈ છે. પંત પહેલા દિવસે ખૂબ જ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. પંતના બેટમાંથી ઘણા શાનદાર શોટ્સ જોવા મળ્યા, જેના પછી ચાહકોને લાગ્યું કે પંત આજે લાંબી ઇનિંગ રમવાનો છે પરંતુ એવું ન થઈ શક્યું. પંત ખરાબ શોટ રમીને આઉટ થયો હતો.


આ ભૂલ પંતને મોંઘી પડી

પંત જ્યારે 39 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે મહમૂદ હસનના ઓફ સાઇડમાં જતા બોલ પર શોટ રમ્યો હતો. જેના કારણે બોલ પંતના બેટની થોડી ધાર લઈને વિકેટકીપર લિટન દાસના ગ્લોવ્સમાં ગયો હતો. આ રીતે પંતની ઇનિંગ્સનો અંત આવ્યો. પંતે 39 રનની ઈનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં મહમૂદ હસનની આ ચોથી વિકેટ હતી.


પ્રથમ દિવસે ફ્લોપ રહ્યા 3 મોટા બેટ્સમેન

ટેસ્ટ મેચમાં ફરી એકવાર કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળ્યા હતા. પરંતુ રોહિત વધુ સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. પ્રથમ દિવસે રોહિત 6 રન બનાવીને આઉટ થયો હતો, મહમૂદ હસને ભારતીય કેપ્ટનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી આવેલો શુભમન ગિલ પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો.


ગિલે 8 બોલનો સામનો કર્યો અને ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. પ્રશંસકોને વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ કોહલીએ પણ પ્રથમ દિવસે નિરાશ કર્યા હતા. વિરાટે પ્રથમ દાવમાં 6 રન બનાવ્યા હતા. આ તમામ બેટ્સમેનોને બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મહમૂદ હસને આઉટ કર્યા છે.

  • Follow us on: