ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પહેલા બાંગ્લાદેશના ક્રિકેટ ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી ખેલાડી શાકિબ અલ હસને મોટી જાહેરાત કરી છે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પરંતુ બાંગ્લાદેશી ફેન્સ માટે રાહતના સમાચાર એ છે કે શાકિબ અલ હસને પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે ભારત સામે કાનપુર ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે. આ પછી બાંગ્લાદેશના મીરપુરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાનાર ટેસ્ટ મેચ તેના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ હશે. આ મેચ બાદ તે ટેસ્ટ મેચ રમતા જોવા નહીં મળે.
શાકિબ ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ફ્લોપ રહ્યો
શાકિબ અલ હસન બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં સૌથી અનુભવી ક્રિકેટર તરીકે મેચ રમી રહ્યો હતો. ટીમ ઈન્ડિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાકિબ અલ હસનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. શાકિબ અલ હસન આ ટેસ્ટ મેચમાં એકપણ વિકેટ લઈ શક્યો ન હતો. જ્યારે બેટિંગમાં તેને પ્રથમ દાવમાં માત્ર 32 રન અને બીજા દાવમાં માત્ર 25 રન જ બનાવ્યા હતા. શાકિબના આ પ્રદર્શન બાદ બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલે શાકિબના પ્લેઈંગ-11માં સમાવેશ પર સવાલ ઉઠાવ્યા હતા. તમીમ ઈકબાલનું માનવું હતું કે શાકિબ ઈજાગ્રસ્ત હોવા છતાં ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રમ્યો હતો.
ટી20 ક્રિકેટમાંથી લઈ ચૂક્યો છે નિવૃત્તિ
T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8માંથી ટીમની બહાર થયા બાદ શાકિબ અલ હસને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી તેને હવે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. હવે તે માત્ર વન ડે અને પ્રીમિયર T20 ક્રિકેટ લીગ મેચો જ રમતા જોવા મળશે.
શાકિબ અલ હસનનું કરિયર
બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ અલ હસને ટીમ માટે 70 ટેસ્ટ, 247 વનડે અને 129 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે. તેને ટેસ્ટમાં 4600 રન, વનડેમાં 7570 રન અને ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 2551 રન બનાવ્યા છે. શાકિબે ટેસ્ટ ક્રિકેટમાં 242 વિકેટ, વન ડે ક્રિકેટમાં 317 વિકેટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 149 વિકેટ ઝડપી છે.