ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચનીસિરીઝની બીજી મેચ કાનપુરમાં રમાઈ રહી છે. વરસાદના કારણે 3 દિવસ સુધી મેચમાં વિક્ષેપ પડ્યો હતો. જો કે ચોથા દિવસે મેચ કોઈપણ વિઘ્ન વિના શરૂ થઈ હતી. ભારતે ચોથા દિવસે શાનદાર બોલિંગ ઉપરાંત શાનદાર બેટિંગ પણ રજૂ કરી હતી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે અદ્દભૂત પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો હતો. જયસ્વાલ ટેસ્ટમાં સૌથી ઝડપી ફિફ્ટી પૂરી કરનારો ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો છે.
જયસ્વાલે રચ્યો ઈતિહાસ
આ મેચમાં જયસ્વાલે ઓપનિંગ બેટ્સમેન તરીકે જોરદાર બેટિંગ કરી અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ચોથી ફિફ્ટી ફટકારનારો ભારતીય બન્યો છે. તેણે સેહવાગનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. સેહવાગે 2008માં ઈંગ્લેન્ડ સામે 32 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જ્યારે જયસ્વાલે 31 બોલમાં ફિફ્ટી ફટકારીને તેનો રેકોર્ડ તોડ્યો હતો.
ભારત તરફથી ટેસ્ટમાં ઝડપી ફિફ્ટી ફટકાનાર બેટ્સમેન
ટેસ્ટમાં ભારતીય તરીકે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ રિષભ પંતના નામે છે. તેણે વર્ષ 2022માં શ્રીલંકા સામે 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ સિવાય કપિલ દેવ આ યાદીમાં બીજા સ્થાને છે. તેણે 1982માં કરાચીમાં પાકિસ્તાન સામે આ સિદ્ધિ મેળવી હતી. કપિલે 30 બોલમાં 50 રન બનાવ્યા હતા. ત્રીજા સ્થાને શાર્દુલ ઠાકુર છે, જેણે વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે 31 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જ્યારે સેહવાગ હવે આ યાદીમાં પાંચમા સ્થાને છે. તેણે વર્ષ 2008માં ચેન્નાઈ સામે 32 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
સદી પૂરી ન કરી શક્યો
જયસ્વાલ પ્રથમ દાવમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. જોકે આ મેચમાં તે સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. તેણે 51 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 141.17ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી, જેમાં 12 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.