• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે
  • ભારતીય ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં આવ્યા
  • ભૂતપૂર્વ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડના સન્માનમાં કાળી પટ્ટી બાંધી

ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સરિઝની ત્રીજી મેચ રમી રહી છે. આજે એટલે કે શનિવારે મેચનો ત્રીજો દિવસ છે. ભારતે તેના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસની રમતના અંતે બે વિકેટે 207 રન બનાવી શાનદાર શરૂઆત કરી હતી. બેન ડકેટ 118 બોલમાં 21 ફોર અને બે સિકસરની મદદથી 133 રન બનાવીને અણનમ છે. તેની સાથે જો રૂટ (9) અણનમ છે. ત્રીજા દિવસે ભારતીય ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં આવ્યા હતા.

ભારતીય ખેલાડી કાળી પટ્ટી પહેરી મેદાનમાં આવ્યા

ભારતીય ટીમે તેના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કર્યું છે. જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ત્રીજા દિવસે શનિવારે મેદાનમાં આવ્યા ત્યારે તેમના હાથ પર કાળી પટ્ટી બાંધી હતી. તેમણે દત્તાજીરાવ ગાયકવાડના સન્માનમાં આ કર્યું હતું. બીસીસીઆઈએ ટ્વિટર પર લખ્યું, "ટીમ ઈન્ડિયા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડના સન્માનમાં કાળી પટ્ટી પહેરશે, જેનું તાજેતરમાં નિધન થયું છે."

દત્તાજીરાવ ગાયકવાડનું નિધન

ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડનું ગત મંગળવારે (13 ફેબ્રુઆરી) અવસાન થયું હતું. તેઓ 95 વર્ષના હતા. ગાયકવાડ છેલ્લા કેટલાક સમયથી બિમારીથી પીડાતા હતા. તેઓ ભૂતપૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન અને રાષ્ટ્રીય ટીમના કોચ અંશુમન ગાયકવાડના પિતા હતા. છેલ્લા 12 દિવસથી બરોડાની એક હોસ્પિટલના ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં જીવન સામે ઝઝૂમ્યા બાદ આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેણે 1952 થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. તેણે 1959માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી.

ગાયકવાડની ક્રિકેટ કારકિર્દી

આ જમણા હાથના બેટ્સમેને 1952માં લીડ્ઝ ખાતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 1961માં ચેન્નાઈમાં પાકિસ્તાન સામે રમી હતી. ગાયકવાડે 1947 થી 1961 દરમિયાન રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 47.56ની એવરેજથી 3139 રન બનાવ્યા જેમાં 14 સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 1959-60 સીઝનમાં મહારાષ્ટ્ર સામે અણનમ 249 રન હતો

  • Follow us on: