- રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે
- લખનઉના ઈકાના સ્ટેડિયમમાં બંને ટીમ આવશે આમને-સામને
- ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને ભારતની પાર્ટી બગાડવાનું આપ્યું નિવેદન
ભારત ICC વર્લ્ડકપ 2023ની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે રમવા જઈ રહ્યું છે. આ વર્લ્ડકપમાં અત્યાર સુધી અજેય ભારતીય ટીમ પોતાની છઠ્ઠી જીત માટે મેદાનમાં ઉતરશે. આ સાથે જ ઈંગ્લેન્ડની સેમીફાઈનલમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ આ વર્લ્ડકપને સારી રીતે સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખશે. ગત મેચમાં પણ ઈંગ્લેન્ડને શ્રીલંકાથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડ વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને પહોંચી ગયું છે. શ્રીલંકા સામે ઈંગ્લેન્ડની કારમી હાર બાદ પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન નાસિર હુસૈને પોતાની ટીમને ઉત્સાહિત કરવાનું કામ કર્યું છે.
'ભારતને હારનો સ્વાદ ચખાડો'- પૂર્વ કેપ્ટન
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લિશ ટીમને ભારતની પાર્ટીને ખરાબ કરવાનો આગ્રહ કર્યો છે. નાસિર હુસૈને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આગામી મેચ અંગે કહ્યું કે, કોઈપણ રીતે ભારતની પાર્ટીને બગાડો. ઉલ્લેખનીય છે કે, ભારત પોઈન્ટ ટેબલમાં સતત 5 જીત સાથે ટોપ પર છે. આવી સ્થિતિમાં નાસિર હુસૈનનું કહેવું છે કે, ભારતે હારનો સ્વાદ ચાખવો જોઈએ. આ વર્લ્ડકપમાં ભારતની હજુ હાર થઈ નથી. આવી સ્થિતિમાં નાસિર હુસૈનનું કહેવું છે કે, ઈંગ્લિશ ટીમે તેની સંપૂર્ણ ક્ષમતા દર્શાવવી જોઈએ અને ભારતની પાર્ટીને બગાડવી જોઈએ.
'પોતાના ખેલાડીઓ પર ઉઠાવ્યો સવાલ'
નાસિર હુસૈને શ્રીલંકા વિરુદ્ધ ઈંગ્લેન્ડની હાર પર પોતાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરીને કહ્યું કે, તમામ ખેલાડીએ પોતાની જવાબદારી લેવી જોઈએ. નાસિર હુસૈને ઈંગ્લેન્ડના ખરાબ પ્રદર્શન માટે બાહ્ય પરિબળોને જવાબદાર ઠેરવવાને ટીમના ખેલાડીઓ પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ ખેલાડીઓ 50 ઓવરનું ક્રિકેટ વધુ રમતા નથી. આ માત્ર બહાના છે. સત્ય એ છે કે ઈંગ્લેન્ડની ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. જેના કારણે ટીમની હાર થઈ છે.