- આવતીકાલથી ભારત-આયરલેન્ડ વચ્ચે રમાશે T-20 સીરિઝ
- બંને દેશ વચ્ચે 2 મેચની સીરિઝ રમાશે
- જસપ્રીત બુમરાહ ભારતીય ટીમના કેપ્ટન બનશે
ભારત અને આયરલેન્ડ વચ્ચે ડબલિનમાં T-20 સીરિઝ રમવામાં આવશે. જસપ્રીત બુમરાહ આ મેચમાં ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરશે. સીરિઝ શરૂ થતાની સાથે બુમરાહ ભારતીય ટીમના કેપ્ટન બનનારા એકમાત્ર બોલર બનશે. આ પહેલાં કોઈ પણ બોલરને T-20 આંતરરાષ્ટ્રીયમાં કેપ્ટન બનવાની તક મળી નથી. આ ફોર્મેટમાં મહેન્દ્રસિંહ ધોનીએ ભારત માટે સૌથી વધુ મેચમાં નૈતૃત્વ કર્યું છે. બીજા નંબર પર રોહિત શર્મા છે.
બુમરાહ ભારતીય ટીમનું નૈતૃત્વ કરશે
ફાસ્ટ બોલર બુમરાહ ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતા, પરંતુ હવે તે ફિટ થઈ ગયા છે અને ભારતનું નૈતૃત્વ કરશે. બુમરાહે ટીમમાં પરત આવવા માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ખુબ મહેનત કરી છે. હવે બુમરાહ મેદાનમાં પરત આવવા માટે તૈયાર છે. તે T-20 ફોર્મેટમાં ભારતીય ટીમના 11માં કેપ્ટન બનશે. ભારતની પ્રથમ T-20 મેચમાં વિરેન્દ્ર સહેવાગ કેપ્ટન હતા. ટીમ ઈન્ડિયા આ મેચ જીતી હતી. જો કે, તે બાદ સહેવાગને ક્યારેય પણ કેપ્ટન બનવાની તક મળી નહતી.
મહેન્દ્ર સિંહ ધોની સૌથી વધુ મેચમાં કેપ્ટન
ભારત માટે સૌથી વધુ મેચમાં કેપ્ટન રહેવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. તે 72 મેચમાં કેપ્ટન રહ્યા છે. ભારતીય ટીમ રોહિત શર્માના નૈતૃત્વમાં 51 મેચ રમી છે. જેમાંથી 39 મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે, જ્યારે 12 મેચમાં હાર થઈ છે. વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે. કોહલી 50 મેચમાં કેપ્ચન હતો. જેમાંથી ભારતે 30 મેચ પોતાને નામ કર્યા છે, જ્યારે 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
એક સમયે રૈના અને અજિંક્ય પણ હતા કેપ્ટન
ઉલ્લેખનીય છે કે, ધોની, રોહિત અને કોહલી સાથે સહેવાગ, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, શિખર ધવન, ઋષભ પંત, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચૂક્યા છે. હાર્દિક અત્યારે ભારતની T-20 ટીમના કેપ્ટન છે. હાર્દિકના નૈતૃત્વમાં ટીમ ઈન્ડિયાની 16 મેચમાં જીત થઈ છે, જ્યારે 10 મેચમાં હાર થઈ છે.