- આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે મેચ
- હિમાચલપ્રદેશના ધર્મશાળામાં રમાશે મેચ
- જે ટીમ મેત જીતશે, તે સેમીફાઈનલમાં પહોંચશે
વર્લ્ડકપ 2023માં ભારતની આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ 22 ઓક્ટોબરે ધર્મશાળામાં બપોરે 2 વાગ્યે રમાશે. વર્લ્ડકપ 2023ની અત્યાર સુધીની મેચો પર નજર કરીએ તો આ મેચ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની સૌથી હાઈવોલ્ટેજ મેચ બનવા જઈ રહી છે. કારણ કે, છેલ્લા 2 અઠવાડિયાથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ 2023ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવા માટે સ્પર્ધા ચાલી રહી છે. આ બંને ટીમોએ તેમની તમામ 4 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ-2 સ્થાન જાળવી રાખ્યું છે. ખાસ વાત એ છે કે, આ ટીમોએ પોતાની તમામ મેચો એકતરફી રીતે જીતી છે.
20 વર્ષથી ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે જીતી નથી
ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો જે અંદાજમાં રમે છે તે અદ્ભુત છે. આ 2 ટીમની સરખામણીમાં અન્ય કોઈ ટીમ જોવા મળતી નથી. આવી સ્થિતિમાં જ્યારે આ બંને ટીમો આમને-સામને ટકરાશે, ત્યારે આ વર્લ્ડકપની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ મેચ સાબિત થશે. છેલ્લા 20 વર્ષમાં ટીમ ઈન્ડિયા કોઈ પણ ICC ઈવેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી.
જીતનારી ટીમની સેમીફાઈનલમાં થશે એન્ટ્રી
આ બંને ટીમો મજબૂત છે અને તે નિશ્ચિત છે કે જે પણ ટીમ આ મેચ જીતશે તે સેમીફાઇનલની ટિકિટ લગભગ સુરક્ષિત કરી લેશે. કારણ કે, આ વર્લ્ડકપમાં ભાગ લેનારી 10 ટીમોએ રાઉન્ડ રોબિન મેચોમાં 9-9 મેચ રમવાની છે અને અત્યાર સુધીના પરિણામો અનુસાર જે ટીમ 5 કે 6 મેચ જીતશે તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે. આ ઉપરાંત ભારત અને ન્યૂઝીલેન્ડનો રનરેટ પણ શ્રેષ્ઠ છે. આવી સ્થિતિમાં આ બંને ટીમો આ મેચ જીતીને તેની સેમિફાઇનલની ટિકિટ લગભગ સુનિશ્ચિત કરી શકે છે.
ટીમ ઈન્ડિયા કેવી રીતે ટિકિટ સુનિશ્ચિત કરશે?
ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવી ચૂકી છે. જો તે આગામી મેચમાં પણ ન્યૂઝીલેન્ડ ટીમને હરાવે છે તો તેની પાસે 5 જીત હશે. આ પછી તેની પાસે ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને શ્રીલંકાના પડકારો બાકી રહેશે. અહીં ઈંગ્લેન્ડ મજબૂત ટીમ છે, પરંતુ નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવવી ટીમ ઈન્ડિયા માટે કોઈપણ રીતે મુશ્કેલ નથી. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે હારી જાય તો પણ તે શ્રીલંકા અને નેધરલેન્ડ્સને હરાવીને સરળતાથી ટોપ-4માં પ્રવેશ કરી શકે છે.