- ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમની જીત
- ભારતીય ટીમ સેમીફાઈનલની નજીક પહોંચી
- પાકિસ્તાન માટે સર્જાઈ શકે છે મુશ્કેલી
ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડકપ 2023ના સેમીફાઈનલના નજીક પહોંચ્યું છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 5 મેચ રમી છે અને આ તમામ મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. ભારતની જીતમાં વિરાટ કોહલીની મહત્વની ભૂમિકા જોવા મળી હતી. સાથે પાકિસ્તાનની વાત કરવામાં આવે તો, પાકિસ્તાન પર સંકટના વાદળ છવાયા છે. પાકિસ્તાન અને અપઘાનિસ્તાન વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. જો પાકિસ્તાન આજની મેચ હારશે, તો તેની મુશ્કેલીમાં વધારો થશે.
ભારત સેમીફાઈનલ નજીક પહોંચ્યું
ભારતે અત્યાર સુધી રમેલી તમામ 5 મેચમાં જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારત પાસે 10 પોઈન્ટ છે. ભારતે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ભારતની આગામી મેચ હવે ઈંગ્લેન્ડ સામે છે. આ મેચ 29 ઓક્ટોબરે રમવામાં આવશે. જે બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે રમશે. આ બંને મેચ જીત્યા બાદ ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી જશે.
પાકિસ્તાનની ટીમ મુશ્કેલીમાં
બાબર આઝમના નૈતૃત્વવાળી પાકિસ્તાની ટીમ અત્યાર સુધી 4 મેચ રમી છે. જેમાંથી 2 મેચમાં પાકિસ્તાનની હાર થઈ છે. પાકિસ્તાન પાસે અત્યારે 4 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. પાકિસ્તાની ટીમને હજુ 5 મેચ રમવાની છે. જેમાં આજે પાકિસ્તાન અફઘાનિસ્તાન વિરુદ્ધ રમી રહ્યું છે. જો પાકિસ્તાન આજની મેચ હારશે, તો તેની મુશ્કેલીમાં વધારો થશે.
ન્યૂઝીલેન્ડ-સાઉથ આફ્રિકા પણ દાવેદાર-
ન્યૂઝીલેન્ડની ટીમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ ટીમ અત્યારે ફોર્મમાં છે અને સેમીફાઈનલની દાવેદારી રજૂ કરી રહી છે. ન્યૂઝીલેન્ડ પોઈન્ટ ટેબલ પર બીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડની 5 મેચમાંથી 4 મેચમાં જીત થઈ છે. સાથે સાઉથ આફ્રિકાની વાત કરવામાં આવે તો, સાઉથ આફ્રિકાએ 4 મેચમાંથી 3 મેચ જીતી છે. આ બંને ટીમ સેમીફાઈનલની દાવેદાર છે.