- શનિવારે ભારત-પાકિસ્તાનની મેચ
- ભારત ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમશે
- ભારતના 4 ખેલાડી પ્રથમ વખત પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમી શકે
2023 એશિયા કપની શરૂઆત થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાને ધમાકેદાર શરૂઆત કરીને નેપાળ વિરુદ્ધ 238 રને જીત મેળવી હતી. નેપાળ વિરુદ્ધ આ મેચમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે સદી ફટકારી હતી. જો કે, ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચની રાહ જોઈ રહ્યા છે. ક્રિકેટમાં જ્યારે પણ આ બંને દેશ વચ્ચે મેચ હોય છે, ત્યારે ખુબ રોમાંચ જોવા મળે છે.
ઈશાન કિશન અને ગિલને પ્લેઈંગ ઈલેવનમાં મળી શકે સ્થાન
ટીમ ઈન્ડિયામાં એવા અનેક ક્રિકેટર છે, જે પ્રથમ વખત પાકિસ્તાન વિરુદ્ધ વનડે મેચ રમશે. જેમાં ઓપનર શુભમન ગિલ, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર, વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ સામેલ છે. આ તમામ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. જો તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે, તો તે પણ પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ વખત મેચ રમશે.
4 વર્ષ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
2023 એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવામાં આવશે. 4 વર્ષ બાદ વનડેમાં આ બંને ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. આ પહેલાં 2019 વનડે વર્લ્ડકપમાં બંને ટીમ વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 વખત ટક્કર જોવા મળી શકે છે. જો બંને ટીમ ફાઈનલમાં પહોંચવામાં સફળ થશે, તો બંને ટીમ 3 વખત આમને-સામને આવશે.
પાકિસ્તાન વિરુદ્ધ કેએલ રાહુલ નહીં રમે
પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ એશિયા કપના પ્રથમ 2 મેચ રમશે નહીં. જેનો મતલબ એ છે કે, 2 સપ્ટેમ્બરે ઈશાન કિશન ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે.
પાકિસ્તાન વિરુદ્ધ ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.