• 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
  • ભારત વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરુદ્ધ ક્યારેય હાર્યું નથી

વનડે વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ક્રિકેટ ફેન્સ રાહ જોઈ રહ્યા છે. બંને વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમવામા આવશે. આ મેચમાં ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ વનડે વર્લ્ડકપમાં સતત 8મી જીત મેળવવા મેદાને ઉતરશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં અત્યાર સુધી 7 મેચ રમવામા આવી છે. આ તમામ મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે.

ભારત રેકોર્ડમાં પાકિસ્તાનથી આગળ

ભારત અને પાકિસ્તાન ટીમ વનડે વર્લ્ડકપમાં કુલ 7 વખત આમને-સામને આવી છે. જેમાં દર વખતે ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. બંને દેશ વચ્ચે પ્રથમ વર્લ્ડકપની મેચ 1992માં રમાઈ હતી. જે બાદ બંને ટીમ 1996,1999,2003,2011,2015 અને 2019માં આમને સામને આવી હતી.

આ ખેલાડીઓ પર રહેશે તમામની નજર

ભારત-પાકિસ્તાન મેચમાં સામાન્ય રીતે તમામ ખેલાડીઓ પર ફેન્સની નજર હોય છે, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, બોલર જસપ્રીત બુમરાહ, પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન અફરીદી પર તમામની નજર રહેશે.

રોહિત શર્મા

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન વિરુદ્ધ બીજી મેચમાં 131 રનની ઈનિંગ રમીને ભારતીય ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સાથે વર્ષ 2019ના વર્લ્ડકપમાં રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ 140 રનની ઈનિંગ રમી હતી.

વિરાટ કોહલી

પાકિસ્તાન વિરુદ્ઘ આક્રામક બેટિંગ કરનારા વિરાટ કોહલી પર આ વખતે તમામની નજર રહેશે. કોહલીએ તાજેતરમાં રમવામાં આવેલા એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. સાથે વર્લ્ડકપ 2023ના પ્રથમ મેચમાં કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 85 અને અફઘાનિસ્તાન વિરુદ્ધ અણનમ 55 રનની ઈનિંગ રમી હતી.

જસપ્રીત બુમરાહ

ભારતીય મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અત્યાર સુધી વર્લ્ડકપની શરૂઆતી બંને મેચમાં શાનદાર લયમાં જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ મેચમાં બુમરાહે 2 અને અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં 4 વિકેટ લીધી હતી.

મોહમ્મદ રિઝવાન

પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને શ્રીલંકા વિરુદ્ધ 345 રનના ટાર્ગેટનો પીછો કરવામાં અણનમ 131 રનની ઈનિંગ રમી હતી. આ સાથે રિઝવાને પાકસ્તાની ટીમને જીત અપાવી હતી.

શાહીન અફરીદી

પાકિસ્તાની ફાસ્ટ બોલર અત્યાર સુધી ટૂર્નામેન્ટની શરૂઆતી 2 મેચમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. બંને મેચમાં અફીદીને માત્ર 1-1 વિકેટ મળી છે, પરંતુ શાહિન અફરીદી નવી બોલ સાથે ટીમ ઈન્ડિયા માટે ઘાતક સાબિત થઈ શકે છે.

બંને દેશની સ્ક્વોડ-

ભારત-રોહિત શર્મા(કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર

પાકિસ્તાન- ઈમામ ઉલ-હક, ફખર જમાન, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સઉદ શકીલ, ઈફ્તિખાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન અફરીદી, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જૂનિયર, આગા સલમાન, ઉસામા મીર, અબ્દુલ્લા શફીક.

  • Follow us on: