• 14 ઓક્ટોબરે વર્લ્ડકપની હાઈ વોલ્ટેજ મેચ રમાશે
  • ભારત અને પાકિસ્તાનની ટીમ આવશે આમને-સામને
  • ક્રિકેટ જોવા અને સાંભળવાનો બદલાયો અંદાજ

ક્રિકેટ વર્લ્ડકપ 2023નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચવાનો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન બંને ટીમે પોતાની પ્રથમ બે મેચમાં જીત મેળવી છે. હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે, કઈ ટીમ જીતની હેટ્રિક બનાવશે. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓની સાથે ફેન્સમાં પણ આ મેચને લઈને ઉત્સાહ જોવા મળશે. ફેન્સ માટે ભારત પાકિસ્તાનની ટક્કર ક્રિકેટ મેચ નહીં પરંલુ ઈમોશન હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ક્રિકેટ મેચ 1952માં રમાઈ હતી. જે બાદ ક્રિકેટ ટેક્નોલોજી સાથે અપડેટ થયું છે.

રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવાનો ક્રેઝ

ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ક્રિકેટ મેચ 1952માં રમાઈ હતી. આ એ સમય હતો જ્યારે ક્રિકેટ બહુ ઓછી જગ્યાએ પહોંચતું હતું, પરંતુ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેને પસંદ કરનારા ઘણા લોકો હતા. આ સમય સુધીમાં રેડિયોની સાથે ટીવીની પણ શોધ થઈ ચૂકી હતી. આમ છતાં ટીવીની પહોંચ રેડિયો કરતા ઘણી ઓછી હતી. જેથી લોકો માત્ર રેડિયો પર જ ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા હતા. ઓલ ઈન્ડિયા રેડિયોએ 1940ની આસપાસ કોમેન્ટ્રી શરૂ કરી હતી. આ અગાઉ BBCએ 1938માં ક્રિકેટ કોમેન્ટ્રી શરૂ કરી હતી. જ્યારથી રેડિયો પર ભારતીય ક્રિકેટ મેચોની કોમેન્ટ્રી શરૂ થઈ ત્યારથી આ રમતની લોકપ્રિયતા ધીમે ધીમે વધવા લાગી હતી.

લોકો રેડિયો છોડીને ટીવી તરફ વળ્યા

રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવાનો ટ્રેન્ડ ભારતમાં લાંબા સમય સુધી ચાલ્યો હતો. ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં લોકો 2010 અને તે પછી પણ રેડિયો પર કોમેન્ટ્રી સાંભળતા હતા, પરંતુ ટીવીએ આના ઘણા સમય પહેલા જ દસ્તક આપવાનું શરૂ કરી દીધું હતું. મળતી માહિતી મુજબ, 1959માં ટીવી ભારતમાં પ્રથમ વખત આવ્યું હતું. જે બાદ ટીવી પર લાઈવ મેચોનો ટ્રેન્ડ શરૂ થયો હતો. શહેરી વિસ્તારોમાં લોકો રેડિયો છોડીને ટીવી તરફ વળ્યા હતા,પરંતુ ગામડાઓમાં ટીવીની પહોંચ ધીમી હતી. ભારતમાં ક્રિકેટ મેચો માટે દૂરદર્શન ખૂબ મહત્વનું સાબિત થતું હતું. લોકો એન્ટેનાની મદદથી આ ચેનલ દ્વારા મેચ જોતા હતા.

ઈન્ટરનેટના કારણે ક્રાંતિ આવી

ઈન્ટરનેટના કારણે ભારતમાં ટેકનોલોજીની નવી ક્રાંતિ આવી હતી. રેડિયો અને ટીવી પછી હવે ઈન્ટરનેટ પર ક્રિકેટ આવી ગયું છે. હવે ક્રિકેટ જોવા માટે કોઈપણ ફેન્સે ટીવી સામે બેસવું પડતું નથી. ફેન્સ બસ કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, ઓફિસમાં કામ કરતી વખતે, રસ્તા પર ચાલતી વખતે અથવા ગમે ત્યાં ક્રિકેટ જોઈ શકે છે.

  • Follow us on: