- આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી T20
- જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે મેચ
- ટીમ ઈન્ડિયાની બીજી T20માં 5 વિકેટે થઈ હતી હાર
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની ત્રીજી મેચ આજે એટલે કે ગુરુવાર, 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ટોસ વિના રદ્દ કરવામાં આવી હતી. ત્યારપછી બીજી મેચમાં પણ વરસાદ પડ્યો હતો, જે બાદ ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ મેચના પરિણામમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આજે યોજાનારી ત્રીજી T20 પણ વરસાદ મુશ્કેલી સર્જશે?
જોહાનિસબર્ગમાં હવામાન કેવું રહેશે?
મેચના લગભગ ચાર કલાક પહેલા એટલે કે સાંજે 4 વાગ્યાથી વરસાદ શરૂ થવાની સંભાવના છે. 4 વાગ્યે લગભગ 2 ટકા વરસાદ પડી શકે છે. પછી જેમ જેમ સમય જશે તેમ વરસાદની અપેક્ષા પણ વધશે. મેચ શરૂ થવાના અડધો કલાક પહેલા એટલે કે ટોસના સમયે 8 વાગે વરસાદની શક્યતા 16 ટકા રહેશે. પછી એક કલાક પછી તે 21 ટકા થઈ જશે. રાત્રે 11 વાગ્યે વરસાદની લગભગ 36 ટકા શક્યતા રહેશે. આ દરમિયાન 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાનની આગાહીને જોતા એવું કહી શકાય કે જો મેચ સમયસર શરૂ નહીં થાય તો મુશ્કેલી આવી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ચાહકોને આખી મેચ જોવા મળશે કે નહીં? છેલ્લી બંને મેચમાં વરસાદે ચાહકોની મજા બગાડી દીધી હતી.
ટીમ ઈન્ડિયા બીજી મેચમાં 5 વિકેટે હારી ગઈ હતી
ગ્કેબરહામાં રમાયેલી બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 19.3 ઓવરમાં 7 વિકેટે 180 રનનો સ્કોર બનાવ્યો હતો અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. વરસાદ બંધ થયા પછી, ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે સાઉથ આફ્રિકાએ 13.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.