- ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું
- ભારત 3 મેચની વનડે સિરીઝમાં 1-0થી આગળ
- સાઉથ આફ્રિકાના કેપ્ટને હાર બાદ આપી પ્રતિક્રિયા
જોહાનિસબર્ગ વનડે મેચમાં ભારતે સાઉથ આફ્રિકા સામે શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 116 રનના ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામેની હાર બાદ સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે મેચ પર પ્રતિક્રિયા આપી હતી. માર્કરામે ટીમ ઈન્ડિયાના બોલરોની પણ પ્રશંસા કરી હતી. ભારતે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. મહત્વની વાત એ હતી કે તેણે 200 બોલ બાકી રહેતા જીત મેળવી હતી.
મેચ હાર્યા બાદ માર્કરમની પ્રતિક્રિયા
ટીમ ઈન્ડિયા સામેની હાર બાદ એડન માર્કરામે કહ્યું કે,અમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જેથી અમે સારું પ્રદર્શન કરી શકીએ. જો કે હવે સમગ્ર જીતનો શ્રેય ભારતીય બોલરોને જાય છે. ભારતીય બોલરોએ શરૂઆતમાં અમને બેકફૂટ પર ધકેલી દીધા હતા અને વાપસી કરવાની તક આપી નહતી. તેમની બોલિંગ ઘણી સારી હતી. આવી સ્થિતિમાં અમારે વધુ સાવચેતીથી રમવાની જરૂર પડશે.
સાઉથ આફ્રિકાની બેટિંગ
જોહાનિસબર્ગ વનડેમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 27.3 ઓવરમાં માત્ર 166 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન રીઝા હેન્ડ્રીક્સ શૂન્ય રને આઉટ થયો હતો. જ્યોર્જી 22 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો.રાસી વાન ડેર ડુસેન પણ ખાતું ખોલાવી શક્યો નહોતો. એડન માર્કરામ 12 રન બનાવીને આઉટ થયો હતો. ક્લાસેન 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ડેવિડ મિલર 2 રન બનાવીને આઉટ થયો હતો.
ભારત સિરીઝમાં આગળ
ભારતે ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બીજી વનડે 19 ડિસેમ્બરે રમાશે. આ પછી, સિરીઝની ત્રીજી મેચ 21 ડિસેમ્બરે રમાશે. આ સિરીઝ બાદ બે ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા ત્રણ T20 મેચ રમાઈ હતી. આ સિરીઝ 1-1 થી બરાબર રહી હતી. પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારતીય ટીમ હવે બીજી વનડે જીતીને સિરીઝ પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.