- ભારતે ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું
- ટીમ ઈન્ડિયાએ પહેલા જ બોલ પર શાનદાર જીત નોંધાવી
- શ્રીલંકાએ ભારતને સુપર ઓવરમાં 3 રનનો ટાર્ગેટ આપ્યો હતો
પલ્લેકલેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચ રોમાંચથી ભરેલી રહી હતી. શરૂઆતમાં બંન્ને ટીમો વચ્ચેનો સ્કોર બરાબર હોવાને કારણે મેચ ટાઈ થઈ હતી. ત્યારબાદ મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્યું. જેમાં ટીમ ઈન્ડિયાએ પહેલા જ બોલ પર શાનદાર જીત નોંધાવી હતી.
સુપર ઓવરમાં શ્રીલંકાએ માત્ર બે વિકેટ ગુમાવ્યા બાદ ઇનિંગ્સનો અંત આવ્યો હતો. કુસલ પરેરા અને પથુમ નિસાંકાને વોશિંગ્ટન સુંદરે શૂન્ય રને આઉટ કર્યા હતા. કુસલ મેન્ડિસ એક રન બનાવી શક્યો અને એક વાઈડનો રન મળ્યો હતો. જેથી સુપર ઓવરમાં કુલ 2 રન થયા હતા. જેના જવાબમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી. હવે સવાલ એ છે કે શ્રીલંકાના બીજા બેટ્સમેન બેટિંગ કરવા કેમ ના આવ્યા જ્યારે તેના ત્રણ બોલ બાકી હતા.
શું છે સુપર ઓવરનો નિયમ
સુપર ઓવરના નિયમો અનુસાર, જો કોઈ ટીમના 2 ખેલાડી સુપર ઓવરમાં આઉટ થાય છે, તો તે ટીમની ઇનિંગ્સ ઓવર માનવામાં આવે છે. નિયમો અનુસાર જ્યારે બીજી વિકેટ પડે ત્યારે ઓવર પૂર્ણ માનવામાં આવે છે. આ જ કારણ હતું કે શ્રીલંકાની 8 વિકેટ હોવા છતાં ત્રીજો બેટ્સમેન રમવા આવ્યો નહોતો.
બોલરને બીજી તક મળતી નથી
બીજી બાજુ, જો સુપર ઓવર ટાઈમાં સમાપ્ત થાય છે, તો પરિણામ આવે ત્યાં સુધી વધુ સુપર ઓવરો રમાય છે. તેવી જ રીતે, બોલરને બીજી સુપર ઓવરમાં બોલિંગ કરવાની તક મળતી નથી. સુપર ઓવરમાં આઉટ થયેલો બેટ્સમેન ફરીથી બેટિંગ કરી શકતો નથી. જો બેટ્સમેન અણનમ રહે તો તે બેટિંગ કરી શકે છે.
સુપર ઓવરમાં એક રિવ્યું મળે છે
તેવી જ રીતે, જો કોઈ બેટ્સમેન પ્રથમ સુપર ઓવરમાં આઉટ થઈ જાય અથવા રિટાયર્ડ હર્ટ થઈ જાય, તો તે પછીની સુપર ઓવરમાં ફરીથી બેટિંગ કરવા આવી શકતો નથી. નિયમો અનુસાર, મૂળ મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ પ્રથમ બેટિંગ કરવા આવે છે. સુપર ઓવરમાં બંને ટીમોને એક-એક રિવ્યુ પણ આપવામાં આવે છે.