- ભારતે ચોથી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું
- ઓપનર જયસ્વાલે કર્યું કમાલનું પ્રદર્શન
- મેચ બાદ કેપ્ટનનો માન્યો આભાર
ભારતે વેસ્ટ ઈન્ડીઝને ચોથી T-20 મેચમાં હરાવીને સીરિઝમાં 2-2થી બરાબરી કરી છે. જેથી આજે આ સીરિઝની નિર્ણાયક મેચ રમવામાં આવશે. ચોથી મેચમાં વેસ્ટ ઈન્ડીઝે આપેલો ટાર્ગેટ ટીમ ઈન્ડિયાએ 1 વિકેટના નુકસાને પ્રાપ્ત કરી લીધો છે. આ મેચમાં ભારત માટે ઓપનર યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેચ બાદ યશસ્વીએ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો છે. સાથે તેમણે આ મેચને લઈ પ્રતિક્રિયા આપી છે.
જયસ્વાલે શું કહ્યું?
યશસ્વીએ અણનમ ઈનિંગ રમ્યા બાદ કહ્યું કે, આ સરળ નહતું. હું એ વાતથી ખુશ છું કે, મેદાનમાં હું મારી રીતે રમી શક્યો છું. આ માટે હું સપોર્ટ સ્ટાફ અને હાર્દિક ભાઈનો આભાર વ્યક્ત કરવા માંગું છું. તેમણે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો, જે મને ખુબ પ્રભાવિત કરે છે. હું ટીમની જરૂરત પ્રમાણે રમું છું. મેં જલ્દી રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
હું પાવર પ્લેમાં રમવા માટે સક્ષમ
તેમણે કહ્યું કે, હું પાવર પ્લેમાં રમવા માટે સક્ષમ છું. મેચ દરમિયાન પરિસ્તિથિને જોઈને રમવું જરૂરી હોય છે. મારો એવો પ્રયાસ હતો કે, હું રન બનાવું. મેં IPLમાં જેસન હોલ્ડર અને ઓબેદ મેકકોયનો અનેક વખત સામનો કર્યો હતો. આ કારણે મને ખુબ મદદ મળી હતી.
ભારતે 9 વિકેટે જીત મેળવી
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડીઝે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 178 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 1 વિકેટના નુકસાને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. ભારતીય ટીમ માટે સૌથી વધુ જયસ્વાલે 51 બોલમાં અણનમ 84 રન બનાવ્યા હતા. તેમણે 11 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. સાથે શુભમન ગિલે 47 બોલમાં 77 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 5 સિક્સ અને 3 ફોર ફટકાર્યા હતા. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, અર્શદીપે 4 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ લીધી હતી, જ્યારે કુલદીપે 2, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમારે 1-1 વિકેટ લીધી હતી.