• ત્રીજી T-20 મેચમાં ભારતની જીત
  • સૂર્યકુમાર યાદવે કર્યા 83 રન
  • તિલક વર્માએ અણનમ 49 રન કર્યા

ભારતે ત્રીજી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને 7 વિકેટે હરાવ્યું છે. હાર્દિક પંડ્યાના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયાને 160 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેથી ટીમ ઈન્ડિયાએ 17.5 ઓવરમાં 3 વિકેટના નુકસાને 164 રન બનાવીને મેચ જીતી છે. જેથી 5 મેચની T-20 સીરિઝ 2-1 પર આવી ગઈ છે. ટીમ ઈન્ડિયાની જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો છે. સૂર્યકુમારે 44 બોલ પર 83 રનની ઈનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે પોતાની ઈનિંગમાં 10 ફોર અને 4 સિક્સ પણ ફટકારી છે. આ ઉપરાંત તિલક વર્માએ 37 બોલ પર અણનમ 49 રન બનાવ્યા છે.

સૂર્યકુમાર યાદવ અને તિલમ વર્મા મેચના હીરો

વેસ્ટ ઈન્ડીઝના 159 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમને પ્રથમ ઝટકો 6 રનના સ્કોર પર લાગ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ મેચ રમનારો યશસ્વી જયસ્વાલ 2 બોલ પર 1 રન કરીને આઉટ થયો હતો. સાથે શુભમન ગિલ 11 બોલ પર 6 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમ 34 રન પર 2 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ શાનદાર પાર્ટનરશિપ કરીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા વચ્ચે 87 રનની પાર્ટનરશિપ થઈ હતી. વેસ્ટ ઈન્ડીઝના બોલરની વાત કરવામાં આવે, તો અલ્ઝારી જોસેફે સૌથી વધુ 2 વિકેટ લીધી છે, જ્યારે ઓબેદ મેકકોયે 1 વિકેટ લીધી છે.

વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને બેટિંગ લીધી હતી

આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝ માટે બ્રેંડન કિંગે સૌથી વધુ 42 બોલ પર 42 રન બનાવ્યા હતા. જે બાદ રોવમન પોવેલે 19 બોલ પર 40 રનની ઈનિંગ રમી હતી. ભારત માટે કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલ અને મુકેશ કુમારે 1-1 વિકેટ પોતાના નામે કરી હતી.

  • Follow us on: