• ભારતીય ટીમને મેચ ફીનો 5% દંડ
  • વેસ્ટ ઈન્ડીઝ ટીમને મેચ ફીનો 10% દંડ
  • ધીમી ઓવર ફેંકવાથી કરાઈ કાર્યવાહી

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 ઓગસ્ટે 5 મેચની T-20 સીરિઝની પ્રથમ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. આ રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમની 4 રને જીત થઈ છે. આ મેચમાં હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો છે. મેચ બાદ ICCએ ટીમ ઈન્ડિયાને મસમોટો દંડ ફટકાર્યો છે.

ભારતે 1 ઓવરનો વધુ સમય લીધો હતો

પ્રથમ T-20 મેચમાં બંને ટીમોઓ નક્કી સમયમાં ઓવર પૂર્ણ કરી નહતી. જેથી ભારતીય ખેલાડીઓની મેચ ફીમાં 5 ટકા દંડ ફટકારાયો છે. સાથે વેસ્ટ ઈન્ડીઝ ટીમ પર 10 ટકા મેચ ફીનો દંડ ફટકારાયો છે. ભારતે 1 ઓવર નાખવામાં વધુ સમય લીધો હતો, જ્યારે વેસ્ટ ઈન્ડીઝે 2 ઓવર નાખવામાં વધુ સમય લીધો હતો.

બંને ટીમના કેપ્ટને દંડનો સ્વીકાર કર્યો

આ મેચમાં અંપાયરની ભૂમિકા નિભાવનારા રિચી રિચર્ડસને બંને કેપ્ટનને આ દંડ અંગે માહિતી આપી છે. ICC કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.22 અનુસાર પ્રત્યેક ધીમી ઓવર પર મેચ ફીના 5 ટકા દંડ લાગે છે. આ દંડ વધુમાં વધુ 50 ટકા સુધી લાગી શકે છે. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા અને વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન રોવમન પોવેલે આ દંડો સ્વીકાર કર્યો છે.

ભારતની 4 રને હાર

પ્રથમ T-20 મેચની વાત કરવામાં આવે, તો તેમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરી હતી. જેમાં વેસ્ટ ઈન્ડીઝે 20 ઓવરમાં 149 રન બનાવ્યા હતા. જે બાદ ભારતીય ટીમ આ લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી, પરંતુ જેસન હોલ્ડરે એક જ ઓવરમાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને સંજૂ સેમસનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જે બાદ ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 145 રન બનાવ્યા હતા. જેથી ભારતીય ટીમની 4 રને હાર થઈ હતી.

  • Follow us on: