• ફૂટબોલ ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેશે
  • રમતગમત મંત્રાલયે નિયમમાં છૂટછાટ આપી
  • કેપ્ટન સુનીલ છેત્રીની ટીમ પર રહેશે નજર

રમત મંત્રાલયે ભારતીય પુરૂષ અને મહિલા ફૂટબોલ ટીમને ચીનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સ 2023માં ભાગ લેવાની પરવાનગી આપી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જેમાં તેણે ભારતીય ફૂટબોલ ટીમના તાજેતરના પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો છે અને નિયમોમાં છૂટછાટ આપીને એશિયન ગેમ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે.

કોચે રમત મંત્રાલયને લખ્યો હતો પત્ર

ભારતીય ફૂટબોલ ટીમના કોચ સ્ટીમેકે થોડા દિવસો પહેલા રમત મંત્રાલયને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આગામી એશિયન ગેમ્સમાં રમવાની પરવાનગી માંગી હતી. ઉલ્લેખનીય છે કે, રમત મંત્રાલયના નિયમો અનુસાર ભારતની પુરુષ અને મહિલા ફૂટબોલ ટીમો અત્યાર સુધી એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકતી નહતી. તેની પાછળનું કારણ એ છે કે, બંને ટીમો ફિફાની એશિયન ફૂટબોલ રેન્કિંગમાં ટોપ-8માં પણ સામેલ થઈ શકી નથી, પરંતુ હવે બંને ટીમના તાજેતરના પ્રદર્શનને જોયા બાદ રમત મંત્રાલયે તેને વિશેષ છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કર્યું ટ્વીટ

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે એક ટ્વીટમાં લખ્યું કે, ભારતીય ફૂટબોલ પ્રેમીઓ માટે સારા સમાચાર છે કે આપણી રાષ્ટ્રીય ટીમો પુરૂષ અને મહિલા બંને આગામી એશિયન ગેમ્સમાં રમતા જોવા મળશે. ભારત સરકારના યુવા અને રમત મંત્રાલયે બંને ટીમોની ભાગીદારી અંગેના નિયમો હળવા કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે તાજેતરના સમયમાં તેમના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મને ખાતરી છે કે હવે ટીમો એશિયન ગેમ્સમાં સારો દેખાવ કરશે.

ભારતે જીતી હતી SAFF ચેમ્પિયનશિપ

ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમે તાજેતરમાં SAFF ચેમ્પિયનશિપમાં ફાઈનલ મેચમાં કુવૈતની ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત છેલ્લા 1 વર્ષમાં ટીમનું પ્રદર્શન મેદાન પર પણ ઘણું સારૂં જોવા મળ્યું છે. જેથી હવે એશિયન ગેમ્સમાં તમામ લોકોની નજર કેપ્ટન સુનીલ છેત્રીની ટીમ પર રહેશે.

  • Follow us on: