- સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મેચ
- ભારત-પાક. મેચ માટે સોમવાર છે રિઝર્વ ડે
- રવિવારે વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ નહીં
રવિવારે એશિયા કપ સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને આવી હતી, પરંતુ આ મેચ વરસાદના કારણે પૂર્ણ થઈ નથી. જેથી આવતીકાલે એટલે સોમવારે આ મેચ ફરી રમવામાં આવશે, પરંતુ આવતીકાલે કોલંબોમાં હવામાન કેવું રહેશે? શું કાલે ફરી કોલંબોમાં વરસાદ આવશે?. આ તમામ પ્રશ્ન વચ્ચે તમામ ક્રિકેટ ફેન્સની નજર આવતીકાલે થનારી મેચ પર છે. ક્રિકેટ ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે, સોમવારે કોલંબોમાં વરસાદ ન આવે, પરંતુ શું ફેન્સની પ્રાર્થના રંગ લાવશે?
કાલે કોલંબોમાં કેવું રહેશે હવામાન
ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે એટલે સોમવારે ભારત-પાકિસ્તાનના રિઝર્વ ડે પર પણ વરસાદ આવશે. રવિવારની જેમ જ સોમવારે પણ વરસાદ આવી શકે છે. જો આવું થશે, તો ફરી એક વખત ક્રિકેટ ફેન્સને નિરાશ થવું પડશે.
શું ફરી વરસાદ ભારત-પાકની મેચ બગાડશે?
આ પહેલાં એશિયા કપ ગ્રુપ મેચમાં ભારત અને પાકિસ્તાન ટીમ આમને-સામને આવી હતી. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલેમાં રમવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે આ મેચ રદ થઈ હતી. જેથી સુપર-4માં ભારત-પાકિસ્તાન માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. આ રિઝર્વ ડે માત્ર ભારત અને પાકિસ્તાનની મેચ માટે છે. આ ઉપરાંત ટૂર્નામેન્ટની ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલ રમવામાં આવશે. આ મેચ પણ કોલંબોમાં જ રમવામાં આવશે.
રવિવારની મેચમાં શું થયું?
રવિવારે રમવામાં આવેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ભારતીય ટીમ પહેલાં બેટિંગ કરવા આવી હતી. જેમાં 24.1 ઓવર બાદ વરસાદ શરૂ થયો હતો. જે બાદ મેચ રિઝર્વ ડેના દિવસે રમવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વરસાદ આવ્યા સુધી ભારતે 2 વિકેટના નુકસાને 147 રન બનાવ્યા હતો. ભારતનો કેપ્ટન રોહિત શર્મા 49 બોલમાં 56 રન કરીને અને ઓપનર શુભમન ગિલ 52 બોલમાં 58 રન કરીને આઉટ થયો હતો. સાથે વિરાટ કોહલી 16 બોલ પર 8 રન કરીને અને કેએલ રાહુલ 28 બોલ પર 17 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. પાકિસ્તાનના બોલર શાહીન શાહ અફરીદીએ 5 ઓવર નાખી હતી. જેમાં 37 રન આપીને 1 વિકેટ લીધી હતી, જ્યારે શાબાદ ખાને 6.1 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટ લીધી હતી. સાથે નસીમ શાહે 1 મેડન ઓવર સાથે 5 ઓવર નાખી હતી. જેમાં નસીમે 23 રન આપ્યા હતી. આ ઉપરાંત ફહીમ અશરફે 3 ઓરમાં 15 અને હારિસ રઉફે 5 ઓવરમાં 27 રન આપ્યા હતા.