• ભારતે વર્લ્ડકપના સ્ક્વોડમાં કર્યો ફેરફાર
  • અક્ષર પટેલના સ્થાને અશ્વિનને ટીમમાં મળ્યું સ્થાન
  • પહેલાં અશ્વિનની નહતી કરવામાં આવી પસંદગી

વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય સ્ક્વોડમાં અક્ષર પટેલના સ્થાને સ્ટાર સ્પિનર ​​આર.અશ્વિને સ્થાન આપવામાં આવ્યું છે. અક્ષર પટેલ ઈજાના કારણે ટીમથી દૂર હતો. સાથે અશ્વિનને વર્લ્ડકપ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે સીરિઝમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સીરિઝમાં અશ્વિને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિલેક્ટર્સને પ્રભાવિત કર્યચા હતા.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં અશ્વિનને મળી હતી તક

અશ્વિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝની 2 મેચમાં 22ની એવરેજથી 4 વિકેટ લીધી હતી. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી દ્વારા લાંબા સમય બાદ ટીમમાં એન્ટ્રી કરી હતી. આ પહેલાં અશ્વિન 21 જાન્યુઆરી 2022ના રોજ ભારત માટે છેલ્લી વનડે મેચ રમ્યો હતો.

એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો અક્ષર

ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023ના સુપર-4માં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હતો. અક્ષરની ઈજાને લઈને એવી અટકળો ચાલી રહી હતી કે, તે વર્લ્ડકપ પહેલાં ફિટ થઈ જશે, પરંતુ એવું બન્યું નથી.

અત્યાર સુધી અશ્વિનનું કરિયર આવું રહ્યું

અશ્વિન એવો ખેલાડી છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધીમાં તે 94 ટેસ્ટ, 115 વનડે અને 65 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. અશ્વિને ટેસ્ટમાં 489, વનડેમાં 155 અને T20 ઈન્ટરનેશનલમાં 72 વિકેટ લીધી છે. બોલ ઉપરાંતય અશ્વિન પાસે બેટથી પણ કમાલ કરવાની ક્ષમતા છે. અશ્વિને ટેસ્ટમાં 5 સદી અને 14 ફિફ્ટી ફટકારી છે. આ ઉપરાંત વનડેમાં પણ અશ્વિને 1 ફિફ્ટી ફટકારી છે.

વર્લ્ડકપ માટે ભારતની ફાઈનલ સ્ક્વોડ-

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ.

  • Follow us on: