- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઈનલ મેચ
- ભારતે પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા છે
- આ મેચમાં વિરાટ કોહલીએ 76 રન બનાવ્યા છે
T20 વર્લ્ડકપ 2024માં વિરાટ કોહલીનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 34 રન હતો, જે તેણે સુપર-8 મેચમાં બાંગ્લાદેશ સામે બનાવ્યો હતો. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ શરૂઆતથી જ તેના પર વિશ્વાસ દર્શાવ્યો હતો, જેના પર કિંગ કોહલી ફાઈનલમાં ખરો ઉતર્યો છે.
રોહિત શર્માએ કરી હતી ભવિષ્યવાણી
ફાઈનલ મેચ પહેલા વિરાટ કોહલી T20 વર્લ્ડકપ 2024ની સાત ઇનિંગ્સમાં માત્ર 75 રન જ બનાવી શક્યો હતો. સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 68 રનથી મળેલી જીત બાદ રોહિત શર્માએ મેચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે વિરાટ એક મોટો ખેલાડી છે અને તે ટીમની મહત્વની કડી છે. તેણે એવી આશા પણ વ્યક્ત કરી કે વિરાટ કદાચ ફાઈનલ માટે તેની મોટી ઇનિંગ્સ બચાવી રહ્યો હશે. આવું જ કંઈક સાઉથ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં થયું હતું. કોહલી 76 રન બનાવીને ટીમ ઈન્ડિયાનો ટોપ સ્કોરર રહ્યો હતો.
વિરાટ કોહલીની ફાઈનલમાં શાનદાર ઈનિંગ
વિરાટ કોહલી 2011માં પ્રથમ વખત વર્લ્ડકપની ફાઈનલ રમ્યો હતો. કોહલીએ 2011 ODI વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકા સામે 35 રનની ઇનિંગ રમી હતી. જોકે, ફાઈનલ મેચમાં ગૌતમ ગંભીરની 97 રનની ઈનિંગ્સ અને એમએસ ધોનીના 91 રન સૌથી વધુ યાદ છે. પરંતુ કોહલીની 35 રનની ઇનિંગ એવા સમયે આવી જ્યારે વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર વહેલા આઉટ થઈ ગયા હતા.
તે પછી વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપ 2014ની ફાઇનલમાં પણ ફિફ્ટી ફટકારી હતી. વિરાટે 58 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. વિરાટ પણ એવો ખેલાડી છે જેણે અત્યાર સુધી રમાયેલી તમામ T20 વર્લ્ડકપ ફાઈનલમાં ફિફ્ટી ફટકારી છે. તેણે 2023 ODI વર્લ્ડકપમાં 63 બોલમાં 54 રન બનાવ્યા હતા. વિરાટે વર્લ્ડકપની અંતિમ મેચોમાં ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.