- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે 3 વનડે મેચની સીરિઝ
- ભારતે પ્રથમ 2 મેચમાં સ્ટાર ખેલાડીઓને આપ્યો આરામ
- કુલદીપ યાદવની ત્રીજી મેચમાં થશે એન્ટ્રી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વનડે સીરિઝ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયામાં શરૂઆતી 2 મેચમાં અનેક સ્ટાર ખેલાડીને આરામ આપવામાં આવ્યો છે. જેમાં કુલદીપ યાદવ પણ સામેલ છે. આ અંગે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યું હતું. જેનો જવાબ કેપ્ટને ખાસ અંદાજમાં આપ્યો હતો.
કુલદીપ સરપ્રાઈઝ પેકેજ સાબિત થશે
એશિયા કપ 2023માં સ્પિનર કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ મળ્યો હતો. તેને સુરક્ષિત રાખવા માટે ભારતીય ક્રિકેટ ટીમ સમિતિએ તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ 2 વનડે મેચમાં આરામ આપીને રણનીતિ બનાવી છે. જો કે, છેલ્લી મેચમાં એન્ટ્રી કરીને કુલદીપ ઓસ્ટ્રેલિયા માટે સરપ્રાઈઝ પેકેજ સાબિત થશે.
રોહિત શર્માએ જણાવ્યું આ કારણ
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂઆતી મેચમાં કુલદીપ યાદવને ટીમથી બહાર કરવાનું કારણ જણાવ્યું હતું. જેમાં રોહિતે કહ્યું હતું કે, અમે ગત 1 વર્ષથી કુલદીપને જોઈ રહ્યા છીએ. આ કારણે અમે કુલદીપને સામે લાવવા માંગતા નથી. તે છેલ્લી મેચમાં પરત આવી રહ્યો છે. આ અમારા માટે સારો નિર્ણય છે. અમારી પાસે 2 પ્રેક્ટિસ મેચ પણ છે. જેમાં તે લયમાં પરત આવી શકશે.
એશિયા કપમાં કુલદીપનું શાનદાર પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023માં કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે 5 મેચમાં 11.44ની એવરેજ અને 3.61ની ઈકોનોમી સાથે કુલ 9 વિકેટ લીધી હતી. તેના આ પરફોર્મન્સના કારણે વનડે વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ મજબૂત બની છે.