- મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયાની ટક્કર
- કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર થયા બીમાર
- બંનેને મેચની પૂર્વ સંધ્યાએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ પહેલા ભારતીય છાવણીમાં કોઈ સારા સમાચાર નથી. કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર આ મેચમાંથી બહાર થઇ શકે છે. હરમનપ્રીત કૌરના આઉટ થવાની સ્થિતિમાં સ્મૃતિ મંધાનાને કેપ્ટનશિપની તક મળશે.
સાંજે 6.30 વાગ્યાથી મુકાબલો
ICC મહિલા T20 વર્લ્ડ કપમાં આજે (23 ફેબ્રુઆરી) ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી રમાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગ્રુપ-Bમાં બીજા સ્થાને રહીને સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ-Aમાં પોતાની તમામ મેચ જીતીને આ શાનદાર મેચમાં જગ્યા બનાવી લીધી છે.

સ્મૃતિને કેપ્ટનશીપ મળી શકે છે
આ મેચ પહેલા ભારતીય કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર આ મેચમાંથી બહાર થઈ શકે છે. એક અહેવાલ મુજબ બંને ખેલાડીઓ બીમાર છે અને મેચની પૂર્વ સંધ્યાએ તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જોકે સાંજે તેમને રજા આપવામાં આવી હતી. તેમની ઉપલબ્ધતા મેચ પહેલા નક્કી કરવામાં આવશે. હરમનપ્રીત કૌરના બહાર થવાની સ્થિતિમાં સ્મૃતિ મંધાના ટીમનું સુકાન સંભાળી શકે છે.
સ્પિનર રાધા યાદવની ફિટનેસને લઈ સસ્પેન્સ
આ બંનેના બહાર થવાની સ્થિતિમાં ભારતીય ટીમની સંભાવનાઓને ઘણું નુકસાન થશે કારણ કે ડાબોડી સ્પિનર રાધા યાદવને લઈને ફિટનેસ સંબંધિત ચિંતાઓ છે. ભારત પહેલાથી જ આજની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારવા ફેવરિટ માની રહ્યું છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના બે અગ્રણી ખેલાડીઓની અસ્વસ્થતા કોઈ મોટા આંચકાથી ઓછી નથી.
હરલીન દેઓલનો સમાવેશ કરવામાં આવી શકે
જો હરમનપ્રીત કૌર મેદાનમાં ઉતરવા માટે યોગ્ય નથી તો તેના સ્થાને હરલીન દેઓલનો સમાવેશ કરવામાં આવી શકે છે. ભારતીય કેપ્ટને અત્યાર સુધી કોઈ સારી ટૂર્નામેન્ટ રહી નથી અને ચાર મેચમાં માત્ર 66 રન બનાવ્યા છે. જોકે તેણીને મોટી મેચોની ખેલાડી માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા સામેની 2017 ODI વર્લ્ડ કપની સેમિફાઇનલને કોણ ભૂલી શકે છે જ્યાં હરમનપ્રીતે રમત બદલી નાખી હતી.

ભારત સામે ઓસ્ટ્રેલિયા ફેવરિટ
મહિલા ક્રિકેટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો હંમેશા દબદબો રહ્યો છે. મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા સામે અત્યાર સુધીમાં 30 T20 મેચ રમી છે, જેમાં તેણે 22માં જીત મેળવી છે. તો બીજી તરફટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતને છેલ્લી જીત ગયા વર્ષે ડિસેમ્બરમાં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મળી હતી.
ભારતીય ટીમઃ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ (વિકેટકીપર), જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા સિંહ ઠાકુર, અંજલી સરવાણી, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે.