• બાંગ્લાદેશે બીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી
  • ઈબાદત હુસૈનના સ્થાને ​​નસુમ અહેમદનો ટીમમાં સમાવેશ
  • ટીમના સુકાની શાકિબ અલ હસનના રમવા અંગે સસ્પેન્સ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ 22 ડિસેમ્બરથી મીરપુરમાં રમાશે. બાંગ્લાદેશે આ ટેસ્ટ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા ઈબાદત હુસૈનના સ્થાને ડાબોડી સ્પિનરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત તમીમ ઈકબાલ બીજી ટેસ્ટમાં પણ ટીમનો ભાગ નહીં હોય.

ઈબાદત હુસૈનના સ્થાને ​​નસુમ અહેમદનો સમાવેશ

બાંગ્લાદેશને ચિત્તાગોંગમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં 188 રનથી હાર મળી હતી. બંને દેશો વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ 22 ડિસેમ્બરથી મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. બાંગ્લાદેશે આ ટેસ્ટ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્ત ઝડપી બોલર ઈબાદત હુસૈનના સ્થાને ડાબોડી સ્પિનર ​​નસુમ અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈજાના કારણે ઈબાદત ભારત વિરૂદ્ધ ચિટાગોંગ ટેસ્ટની બીજી ઈનિંગમાં બોલિંગ કરી શક્યો નહોતો. ઇબાદતે ચિત્તાગોંગ ટેસ્ટમાં એક વિકેટ લીધી હતી.


શાકિબ અલ હસનના રમવા અંગે સસ્પેન્સ

બીજી ટેસ્ટ માટે નસુમની પસંદગી આશ્ચર્યજનક નથી, કારણ કે તે બાંગ્લાદેશને સ્પિન બોલિંગમાં બીજો વિકલ્પ આપશે. ટીમના સુકાની શાકિબ અલ હસન ખભાની ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તે બીજી ટેસ્ટમાં બોલિંગ ન કરી શકે તેવી શક્યતા છે. તેના રમવા અંગે પણ સસ્પેન્સ છે. જોકે તેને બીજી ટેસ્ટ માટે પસંદ કરાયેલી ટીમમાં રાખવામાં આવ્યો છે. શાકિબે પ્રથમ ટેસ્ટમાં સારી બેટિંગ કરી હતી. તેણે બીજી ઇનિંગમાં 84 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં નસુમને મીરપુર ટેસ્ટમાં તક મળી શકે છે. અનામુલ હક અને શોરીફુલ ઈસ્લામને બીજી ટેસ્ટ માટે પસંદ કરાયેલી ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

તમીમ ઈકબાલ બીજી ટેસ્ટમાં પણ નહીં રમે

નસુમે બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 4 વનડે અને 28 T20 રમી છે. પરંતુ, હજુ સુધી ટેસ્ટ ડેબ્યુ નથી કર્યું. તે ટેસ્ટ પહેલા વનડે સિરીઝમાં બાંગ્લાદેશ ટીમનો ભાગ હતો. બાંગ્લાદેશે આ શ્રેણી જીતી લીધી હતી. ઈજાને કારણે ODI શ્રેણી અને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયેલો ઓપનર તમીમ ઈકબાલ બીજી ટેસ્ટ માટે ફિટ નથી. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પસંદગીકાર હબીબુલ બશરે કહ્યું, 'ઇબાદતને પ્રથમ ટેસ્ટમાં પીઠમાં ઈજા થઈ હતી. તે બીજી ટેસ્ટ માટે ફિટ રહેશે નહીં. આ કારણે અમે ટીમમાં તેના સ્થાને નસીમની પસંદગી કરી છે. જો કે, બીજી ટેસ્ટમાં વધારાના સ્પિનર ​​સાથે જવું કે નહીં તે અમે હજુ નક્કી કર્યું નથી.


ભારત સામેની બીજી ટેસ્ટ માટે બાંગ્લાદેશની ટીમઃ

ઝાકિર હસન, નજમુલ હુસૈન શાંતો, મોમિનુલ હક, યાસિર અલી, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન કુમાર દાસ, નુરુલ હસન, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, તસ્કીન અહેમદ, ખાલેદ અહેમદ, નસુમ અહેમદ, મહેમુદુલ હસન જોય, રેઝુર રહેમાન રાજા.

  • Follow us on: