ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ શુક્રવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન હોમ ગ્રાઉન્ડ પર 12 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા. કોહલી આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આ કારનામું માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ કરી ચૂક્યો છે, જેણે ભારતીય ધરતી પર 14,192 રન બનાવ્યા છે. એકંદરે વિરાટ હોમ ગ્રાઉન્ડ પર 12 હજાર રન બનાવનાર વિશ્વનો પાંચમો બેટ્સમેન છે. અત્યાર સુધીમાં તેણે ટેસ્ટમાં 4161 રન, વનડેમાં 6268 રન અને T-20 ઈન્ટરનેશનલમાં 1577 રન બનાવ્યા છે.


વિરાટે પોતાની 219મી મેચમાં મેળવી આ સિદ્ધિ 

તાજેતરમાં T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત થયેલા કોહલીએ ભારત તરફથી રમતા તેની 219મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ અત્યાર સુધીમાં 12000થી વધુ રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 58.84 રહી છે. જેમાં 38 સદી અને 59 ફિફ્ટી સામેલ છે. બીજી તરફ, સચિને હોમ ગ્રાઉન્ડ પર 258 મેચોમાં 50.82ની એવરેજથી 14192 રન બનાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

આ દરમિયાન તેના બેટમાંથી 42 સદી અને 70 ફિફ્ટી આવી હતી. વર્તમાન ક્રિકેટરોમાં વિરાટ અને સચિન પછી ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે જે ઘરઆંગણે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રોહિતે હોમ ગ્રાઉન્ડ પર વિરાટ કરતા લગભગ સાડા ત્રણ હજાર ઓછા રન બનાવ્યા છે.

વિરાટ કોહલીની કારકિર્દી

વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 113 મેચમાં 8848 રન બનાવ્યા છે, જેમાં તેનો હાઈ સ્કોર 254 રન છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 49.16 રહી છે અને તેમાં 29 સદી અને 30 ફિફ્ટીનો સમાવેશ થાય છે. વિરાટે ODI ફોર્મેટમાં 93.54ની સ્ટ્રાઈક રેટ અને 58.18ની જબરદસ્ત એવરેજથી 14866 રન બનાવ્યા છે.

વિરાટે આ ફોર્મેટમાં સૌથી વધુ 50 સદી ફટકારી છે. આ સિવાય કોહલીએ T20 ફોર્મેટમાં પણ ઘણા રન બનાવ્યા છે. વિરાટે દેશ માટે આ ફોર્મેટમાં 125 મેચ રમી છે, જેમાં તેણે 137.04ની સ્ટ્રાઈક રેટ અને 48.7ની એવરેજથી 4188 રન બનાવ્યા છે.

  • Follow us on: