• આકાશ દીપે ભારત માટે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું
  • આકાશ દીપ ડેબ્યૂ કરનાર 313મો ખેલાડી
  • આકાશ દીપે ડેબ્યૂ મેચમાં 3 વિકેટ ઝડપી

ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપે રાંચી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બિહાર તરફથી રમતા રણજી ટ્રોફી ખેલાડી આકાશ દીપે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ડ્રીમ ડેબ્યુ કર્યું છે. આ ખેલાડીએ એક જ ઓવરમાં બે ઝટકા આપીને ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. આકાશે પહેલા બેન ડકેટને 11 રને આઉટ કર્યો હતો, ત્યારબાદ ઓલી પોપને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બાદમાં આકાશે ઝેક ક્રોલીને પણ આઉટ કરી દીધો હતો, આમ છતાં આકાશ દીપ ખુશ નથી. મેચ બાદ તેણે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે.

આકાશ દીપ આંસુ રોકી ન શક્યો?

આકાશ દીપે ઈંગ્લેન્ડ સામે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 70 રનમાં 3 વિકેટ ઝડપી છે. જ્યારે પણ ભારતને વિકેટની જરૂર પડી ત્યારે આ ખેલાડીએ ટીમને સફળતા અપાવી છે. આ શાનદાર પ્રદર્શન બાદ તેણે કહ્યું કે મને એક વાતનો અફસોસ છે. આકાશે કહ્યું, મારા પિતા ઈચ્છતા હતા કે હું મારા જીવનમાં કંઈક સારું કરું, જેથી મારા પિતા ખુશ થઈ શકે. પરંતુ તેઓ જીવતા હતા ત્યારે હું કંઈ કરી શક્યો ન હતો, હવે હું ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો છું ત્યારે મારા પિતા જીવિત નથી. હું આના માટે ખૂબ જ દિલગીર છું. આ બોલતાની સાથે જ ખેલાડીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, તેણે આ ઇનિંગ તેના પિતાને સમર્પિત કરી દીધી છે.

'મેં ક્યારેય વિચાર્યું ન હતું'

આકાશ દીપે કહ્યું કે બાળપણમાં બધા બાળકો ક્રિકેટ રમતા હતા તેથી મને પણ ક્રિકેટ રમવાનું મન થતું હતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ હું ટીમ ઇન્ડિયા માટે રમી શકીશ. તે મારા માટે એક સ્વપ્ન જેવું છે. તે મારા માટે આનંદ કરતાં વધુ જવાબદારી છે, જેને હું સારી રીતે નિભાવવા માંગુ છું. ટીમે મારામાં વિશ્વાસ દર્શાવ્યો છે અને હું જીતવા માંગુ છું.

આકાશ દિપે રાંચી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું

આકાશ દીપ ભારતીય ટેસ્ટ ટીમ માટે ડેબ્યૂ કરનાર 313મો ખેલાડી બની ગયો છે. ગઈકાલે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આકાશને ટીમ ઈન્ડિયાની કેપ આપી અને તેનું ડેબ્યુ કર્યું. આ મેચમાં ભારતના અનુભવી ખેલાડી જસપ્રીત બુમરાહ ટીમની બહાર છે. તે લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ હતો, તેથી જ તેને રાંચી ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ટીમમાં સામેલ થયેલા આકાશ દીપે પણ પોતાના પ્રદર્શનથી ટીમને પ્રભાવિત કરી છે.

  • Follow us on: