• ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદ ટેસ્ટમાં ભારતની 28 રને હાર
  • ઈંગ્લેન્ડે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી
  • ‘પ્રથમ ઇનિંગમાં વધુ રન બનાવી શક્યા હોત’ - દ્રવિડ

ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદ ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેદાન ભારત માટે ઘણું લકી સાબિત થાય છે, પરંતુ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદમાં ભારતને 14 વર્ષ બાદ હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે ભારતની ક્યાં ભૂલ થઈ જેના કારણે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

‘પ્રથમ ઇનિંગમાં વધુ રન બનાવી શક્યા હોત’ - દ્રવિડ

ઈંગ્લેન્ડ સામે ભારતની હાર બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે અમારે 231 રનના લક્ષ્યનો પીછો કરવાનો નહોતો. અમે ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતા, પરંતુ ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પોપે શાનદાર ઈનિંગ રમી અને ઈંગ્લેન્ડને સારા લક્ષ્ય સુધી લઈ ગયા હતા. અમને પીછો કરવા માટે આસાન લક્ષ્ય મળી શક્યું હોત, પરંતુ પોપના કારણે ટાર્ગેટ મોટું થઈ ગયું હતું. દ્રવિડે વધુમાં કહ્યું કે જ્યારે અમે પ્રથમ દાવમાં બેટિંગ કરી રહ્યા હતા ત્યારે પીચ બેટિંગ માટે યોગ્ય હતી, અમે પ્રથમ દાવમાં વધુ 70 રન બનાવી શક્યા હોત, પરંતુ ત્રીજા દિવસની રમતમાં અમે માત્ર 15 રન જ બનાવી શક્યા હતા.

'એક પણ બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી'

રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે ટીમ ઈન્ડિયા સારું રમી, પરંતુ અમારે વધુ સારું રમવાની જરૂર છે. અમારા ત્રણ બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી, પરંતુ એક પણ ખેલાડી સદી ફટકારી શક્યો નહીં. યુવા ખેલાડીઓના વખાણ કરતા રાહુલે કહ્યું કે ટીમમાં ઘણા એવા યુવા ખેલાડીઓ છે જેઓ મોટાભાગે સફેદ બોલની ક્રિકેટ રમે છે, તેથી તેમની પાસે ટેસ્ટમાં વધારે અનુભવ નથી. જોકે, ઈન્ડિયા-A માટે સારું પ્રદર્શન કર્યા બાદ જ ખેલાડીઓ મુખ્ય ટીમમાં સ્થાન મેળવી શક્યા છે. આવી સ્થિતિમાં યુવા ખેલાડીઓને આ સ્થિતિને અનુકૂળ થવામાં સમય લાગશે.

આગામી મેચમાં વાપસી કરશે

દ્રવિડે ભારતના સ્પિન બોલરોના પણ વખાણ કર્યા છે. તેણે કહ્યું કે ભારતના ત્રણેય સ્પિનરો સારી બોલિંગ કરી રહ્યા છે અને આગામી મેચમાં ચોક્કસપણે વાપસી કરશે. ઓલી પોપે સ્પિનરો સામે સ્વીપ શોટ સારી રીતે રમ્યો હતો, પરંતુ અમારા સ્પિનરો ચોક્કસપણે વાપસી કરશે અને આગામી ટેસ્ટ મેચમાં પોપને રોકવામાં સફળ રહેશે.

  • Follow us on: