- ભારત-પાકિસ્તાનની મેચ રદ
- બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો
- પાકિસ્તાની ટીમ ટોપ 4માં પહોંચી
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની ત્રીજી મેચ વરસાદના કારણે રદ થઈ છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ટીમ ઈન્ડિયા 48.5 ઓવરમાં 266 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ઈનિંગ બ્રેક બાદ તમામ ક્રિકેટ ફેન્સને મેચ શરૂ થવાની આશા હતી, પરંતુ વરસાદના કારણે અંપાયર્સે મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે. જેથી પાકિસ્તાન હવે 3 પોઈન્ટ સાથે સુપર-4માં પહોંચ્યું છે.
ભારતીય ટીમને 1 પોઈન્ટ મળ્યો
ભારતીય ટીમને મેચ રદ થવાની 1 પોઈન્ટ મળ્યો, પરતું ભારતે સુપર-4માં જગ્યા બનાવવા માટે નેપાળ વિરુદ્ધ જીત મેળવવી જરૂરી બની છે. ભારત હવે 4 સપ્ટેમ્બરે પલ્લેકેલે સ્ટેડિયમમાં નેપાળ વિરુદ્ધ બીજી ગ્રુપ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.
પાકિસ્તાનના ફાસ્ટ બોલરનો દબદબો
આ મેચમાં ભારતીય ટીમની ઈનિંગને લઈ વાત કરવામાં આવે તો ટોસ જીત્યા બાદ પ્રથમ રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાની ખેલાડીઓ સામે સંઘર્ષ જોવા મળ્યો હતો. શાહીન આફ્રિદીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને બોલ્ડ કરીને ભારતને શરૂઆતમાં જ 2 મોટા ઝટકા આપ્યા હતા. જે બાદ 66ના સ્કોર સુધી ગિલ અને શ્રેયસ અય્યર પણ પેવેલિયન આવી ગયા હતા.
હાર્દિક અને ઈશાન કિશને ઈનિંગ સંભાળી
4 ખેલાડી આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને 5મી વિકેટ માટે 100 કરતા વધુ રનની પાર્ટનરશિપ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનું કામ કર્યું હતું. આ મેચમાં હાર્દિકે 87 રન બનાવ્યા, જ્યારે ઈશાન કિશન 82 રનની ઈનિંગ રમ્યો હતો. પાકિસ્તાન ટીમ માટે તેના ફાસ્ટ બોલર્સે મહત્વની ભૂમિકા નિભાવીને ભારતીય ટીમની તમામ 10 વિકેટ પોતાના નામે કરી હતી. શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ લીધી હતી, જ્યારે નસીમ શાહ અને હારિસ રઉફે 3-3 વિકેટ મેળવી હતી. હવે પાકિસ્તાનની ટીમ સુપર 4માં પોતાની પ્રથમ મેચ 6 સપ્ટેમ્બરે લાહોરના સ્ટેડિયમમાં રમશે.