- ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
- ભારતીય ટીમ 266 રન પર ઓલઆઉટ
- મેચ દરમિયાન જોવા મળી ખેલ ભાવના
ભારતે એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં પાકિસ્તાનને જીત માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચ સાથે જોડાયેલી એક દિલચસ્પ તસ્વીર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફોટોમાં દેખાઈ રહ્યું છે કે, ભારતની ઈનિંગ દરમિયાન પાકિસ્તાનનો ખેલાડી શાબાદ ખાન હાર્દિક પંડ્યાના જૂતાની દોરી બાંધી રહ્યો છે. શાબાદની આ ખેલ ભાવનાની લોકો પ્રશંસા કરી રહ્યા છે. હાર્દિકે આ મેચમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. હાર્દિકે આ મેચમાં 87 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી છે.
ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન હાર્દિક નંબર 6 પર બેટિંગ કરવા આવ્યો હતો. ભારતીય ઈનિંગ દરમિયાન હાર્દિક પંડ્યાના જૂતાની દોરી નીકળી ગઈ હતી. આ જોઈને શાબાદ ખાને તેમની મદદ કરી હતી. સોશિયલ મીડિયા પર શાબાદ અને હાર્દિકનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિકે બનાવ્યા 87 રન
હાર્દિકે આ મેચમાં ઈશાન કિશન સાથે મળીને ભારતને સંકટની સ્થિતિમાંથી બહાર કાઢ્યું છે. ટીમ ઈન્ડિયાએ 66 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી હતી. જે બાદ ઈશાન અને હાર્દિકે 100 રન કરતાં વધુની પાર્ટનરશિપ કરી હતી. પંડ્યાએ 90 બોલ પર 87 રન બનાવ્યા હતા. તેમણે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી, જ્યારે ઈશાને 81 બોલ પર 82 રન બનાવ્યા હતા. ઈશાને 9 ફોર અને 2 સિક્સ લગાવી હતી.
ભારતનો ટોપ ઓર્ડર ફરી ફેલ
ઉલ્લેખનીય છે કે, ભારતે પ્રથમ બેટિંગ કરીને 48.5 ઓવરમાં 266 રન બનાવ્યા છે. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા 11 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે વિરાટ કોહલી 4 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ 10 રન બનાવીને અને શ્રેયસ અય્યર 14 કન બનાવીને આઉટ થયો હતો. આ સાથે રવિન્દ્ર જાડેજાએ 14 તથા શાર્દુલ ઠાકુરે 3 રન બનાવ્યા હતા.