- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે
- આ T20 સિરીઝની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે
- ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ 3 મેચની T20 સિરીઝ રમાશે. આ સિરીઝની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે. જેના માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નેટ પર જોરશોરથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. 23 જુલાઈએ ટીમ ઈન્ડિયાનું પ્રથમ પ્રેક્ટિસ સેશન નવા હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં થયું હતું. જેમાં તમામ ખેલાડીઓએ નેટમાં ઘણો પરસેવો પાડ્યો હતો.
હવે મોટો સવાલ એ છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ વગર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે. આ વખતે ટીમ ઈન્ડિયા નવા ચહેરા સાથે શ્રીલંકા પ્રવાસ પર પહોંચી છે, આ સિવાય T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. અહેવાલો અનુસાર, પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનને કોચ અને કેપ્ટને લગભગ મંજૂરી આપી દીધી છે. જે બાદ પ્લેઇંગ ઇલેવનમાંથી 4 ખેલાડીઓને બહાર કરવામાં આવતા જોવા મળી રહ્યા છે.
આ ખેલાડીઓને મળી શકે તક
યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ પ્રથમ T20 મેચમાં ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. સુકાની સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે, જ્યારે રિષભ પંત ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ 4 ખેલાડીઓ રહી શકે છે બહાર
T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં રિયાન પરાગ, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર અને મુકેશ કુમારની પણ પસંદગી કરવામાં આવી છે. પરંતુ હવે જો રિપોર્ટ્સનું માનીએ તો આ ચાર ખેલાડીઓ માટે પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં તક મેળવવી ઘણી મુશ્કેલ છે. જો કે, જો ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં સતત બે મેચ જીતીને અજેય લીડ હાંસલ કરે છે, તો આ ચાર ખેલાડીઓને ત્રીજી અને છેલ્લી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.
પ્રથમ T20 મેચ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિષભ પંત, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.