- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે
- T20 સિરીઝની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે
- ગંભીરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન યોજાયું
ભારતીય ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ODI અને T20 સિરીઝ રમાશે. પહેલા બંને ટીમો વચ્ચે T20 સિરીઝ શરૂ થશે. T20 સિરીઝની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે. આ અંગે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ 23 જુલાઈના રોજ નવા હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. હવે આ પ્રેક્ટિસ સેશનમાંથી સમાચાર આવી રહ્યા છે કે બાઉન્ડ્રીને લઈને હાર્દિક પંડ્યા અને ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર વચ્ચે કેટલાક મતભેદ હતા.
શું હતો સમગ્ર મામલો?
પ્રેક્ટિસ સેશન દરમિયાન, હાર્દિક પંડ્યાએ નવા સહાયક કોચ અભિષેક નાયરની દેખરેખ હેઠળ બેટિંગ કરી હતી. પ્રેક્ટિસ દરમિયાન પંડ્યાએ પોઈન્ટ તરફ શોટ રમ્યો હતો. જે બાદ હાર્દિકે દાવો કર્યો હતો કે તે ફોર હતી. પરંતુ હાર્દિક સાથે અસંમત થતા અભિષેક નાયરે કહ્યું કે ના, આ બાઉન્ડ્રી નથી, મેં ત્યાં ફિલ્ડર મૂક્યો હતો. જ્યારે હાર્દિકે ફિલ્ડર વિશે પૂછ્યું, ત્યારે નાયરે મેદાન ઊભેલા એક પત્રકાર તરફ ઈશારો કર્યો હતો. જે બાદ હાર્દિક અને અભિષેક આ વાત પર હસવા લાગ્યા હતા.
હાર્દિકને કેપ્ટનશીપ ન મળી
શ્રીલંકા પ્રવાસને લઈને ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા બધાને લાગી રહ્યું હતું કે હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે, કારણ કે હાર્દિક T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હતો અને તેનું પ્રદર્શન પણ શાનદાર હતું. પરંતુ ટીમની જાહેરાત બાદ ખબર પડી કે સૂર્યકુમાર યાદવને T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકના કેપ્ટન ન બનવાનું કારણ તેની ફિટનેસ આપવામાં આવ્યું હતું.