- ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યાના બદલે 10 વાગ્યે રમાશે
- ત્રિનિદાદથી સેન્ટ કિટ્સ ટીમના સામાનના આગમનમાં વિલંબ
- CWIએ અખબારી યાદીમાં અસુવિધા બદલ માફી માંગી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી બીજી T20ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બીજી T20 હવે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાના બદલે રાત્રે 10 વાગ્યે રમાશે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે જણાવ્યું હતું કે ત્રિનિદાદથી સેન્ટ કિટ્સ પહોંચવામાં વિલંબ થયો હતો જેના કારણે મેચ બે કલાક મોડી શરૂ થશે. જૂના સમયપત્રક મુજબ આ મેચ ભારતીય સમય પ્રમાણે 8 વાગ્યે શરૂ થવાની હતી.
CWIએ આપી જાણકારી
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે તેની અખબારી યાદીમાં કહ્યું: "CWIના નિયંત્રણની બહારના સંજોગોને કારણે, ત્રિનિદાદથી સેન્ટ કિટ્સ સુધી મહત્વપૂર્ણ ટીમના સામાનના આગમનમાં વિલંબ થયો છે. જેના કારણે આજની મેચ ભારતીય સમય અનુસાર 10 વાગ્યે શરૂ થશે. CWI અમારા મૂલ્યવાન ચાહકો, પ્રાયોજકો, પ્રસારણ ભાગીદારો અને અન્ય તમામ હિતધારકોને થતી કોઈપણ અસુવિધા બદલ દિલગીર છે.

યુએસ વિઝામાં વિલંબ
ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20 સિરીઝમાં બીજી સમસ્યા પણ ઉભી થઇ છે. T20 સિરીઝની છેલ્લી બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાવાની છે. પરંતુ હવે એવું બની શકે છે કે વિઝા સંબંધિત સમસ્યાઓના કારણે બાકીની બંને મેચ કેરેબિયન ધરતી પર રમાય. બંને ટીમના ખેલાડીઓના યુએસ વિઝા હજુ આવ્યા નથી, તેથી CWIએ વૈકલ્પિક યોજના તૈયાર રાખવી પડશે. આ બંને મેચ ફ્લોરિડાના લોડરહિલ સ્થિત સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક મેદાનમાં રમાશે. સમાચાર અનુસાર, ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝના ઘણા ખેલાડીઓના વિઝા દસ્તાવેજો હજુ સુધી આવ્યા નથી.

ભારત T20 સિરીઝમાં 1-0થી આગળ
ટીમ ઈન્ડિયા 5 મેચની T20 સિરીઝમાં 1-0થી આગળ છે. ત્રિનિદાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે 68 રને જીત મેળવી હતી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (64)ની અડધી સદી સાથે દિનેશ કાર્તિકે 19 બોલમાં 41 રનની તોફાની ઇનિંગ રમી હતી. 191 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 122 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ, આર અશ્વિન અને રવિ બશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી.