- ધર્મશાળા ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું
- ટીમ ઈન્ડિયાએ 4-1થી સીરિઝ કબજે કરી
- યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ ધ સિરીઝ
ભારતે ઈંગ્લેન્ડ સામેની ધર્મશાળા ટેસ્ટ મેચ જીતી લીધી છે. 5 મેચોની સિરીઝની 5મી અને છેલ્લી મેચમાં ભારતે એક ઇનિંગ્સ અને 64 રને જીત મેળવી હતી. ભારતે આ સીરિઝ પહેલા જ કબજે કરી લીધી હતી. હવે ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્માની સેનાએ 112 વર્ષ જૂનો ઈતિહાસ બદલી નાખ્યો છે. આ સિદ્ધિ કોઈ ટીમે 112 વર્ષ બાદ હાંસલ કરી છે. આવો તમને જણાવીએ કે ભારતીય ટીમે કયો ઈતિહાસ રચ્યો છે.
ભારતે કયો મોટો રેકોર્ડ બનાવ્યો?
ઈંગ્લેન્ડ સામે ભારતની જીત સૌથી મોટી જીતમાંથી એક છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. હવે મેચની બીજી ઇનિંગમાં પણ ખેલાડીએ ઐતિહાસિક સ્પેલ નાખીને 5 વિકેટ ઝડપી હતી. આ મેચ અશ્વિનની 100મી ટેસ્ટ મેચ છે, જેમાં ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે ભારતે એક અનોખો ઈતિહાસ પોતાના નામે કરી લીધો છે. તમને જણાવી દઈએ કે આવું 112 વર્ષ પછી બન્યું છે, જ્યારે કોઈ ટીમ 5 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ હારી હતી અને ત્યારબાદ સતત 4 મેચ જીતી હતી. ભારતે 112 વર્ષ બાદ આ ઈતિહાસનું પુનરાવર્તન કર્યું. આ પોતાનામાં એક મોટો રેકોર્ડ છે. ઈંગ્લેન્ડ સામેની સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો હતો, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ વાપસી કરી અને સતત 4 મેચ જીતી હતી.
ઈંગ્લેન્ડે 1912માં આ કારનામું કર્યું
તમને જણાવી દઈએ કે આજથી પહેલા 1912માં ઈંગ્લેન્ડની ટીમે આ કારનામું કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો, ત્યારબાદ ઇંગ્લિશ ટીમે વાપસી કરી અને સતત 4 મેચ જીતી હતી. હવે ભારતે ઈંગ્લેન્ડ સામે પોતાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ પહેલા ઓસ્ટ્રેલિયાએ આ સિદ્ધિ મેળવી હતી. કાંગારૂ ટીમે 1897-98 અને 1901-02માં ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. હવે આ યાદીમાં ભારત પણ સામેલ થઈ ગયું છે. ભારત એક મેચ હાર્યા બાદ સતત 4 મેચ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે.
રોહિત અને ગિલની સદીની ઇનિંગ્સ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન શુભમન ગીલે ધર્મશાળા ટેસ્ટમાં સદીની ઇનિંગ્સ રમી છે. બંને ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શનના કારણે ભારતે મેચની પ્રથમ ઇનિંગમાં 477 રન બનાવ્યા હતા. આ સાથે ભારતની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ સામે જોરદાર સ્કોર બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને 259 રનની લીડ મળી હતી, જેનો ભારતે બચાવ કર્યો અને ઈંગ્લેન્ડને એક ઈનિંગ્સથી હરાવ્યું. બેટ્સમેન બાદ રવિચંદ્રન અશ્વિન આ મેચમાં બોલથી ટીમ ઈન્ડિયાની જીતનો હીરો બન્યો હતો. તેણે બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી અને સમગ્ર મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી.