- 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપ શરૂ થશે
- આ વર્ષે ભારતમાં રમવામાં આવશે વર્લ્ડકપ
- કોહલીએ વર્લ્ડકપ જીતવાનું કર્યું પ્રોમીસ
વિરાટ કોહલીએ એશિયા કપ 2023માં ભારતની જીત બાદ કહ્યું કે, તે વર્લ્ડકપમાં ફેન્સનું સપનું પૂર્ણ કરવા તૈયાર છે. ભારતીય ટીમે રવિવારે એશિયા કપના ફાઈનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવીને 8મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતના એશિયા ચેમ્પિયન બન્યા બાદ ફેન્સ આ વર્ષે ઘરેલૂ જમીન પર રમાનારા વર્લ્ડકપ 2023ને લઈ આશા વ્યક્ત કરી રહ્યા છે.
વિરાટ કોહલીએ શું કહ્યું?
5 ઓક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડકપને લઈ વિરાટ કોહલીએ કહ્યું કે, ફેન્સ માટે વર્લ્ડકપ જીતવાના સપના માટે અમે તૈયાર છીએ. વર્લ્ડકપ પહેલાં કોહલી ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યો છે. એશિયા કપમાં પણ કોહલીનું બેટ લયમાં જોવા મળી રહ્યું હતું. કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં સદી ફટકારી હતી.
2011ના વર્લ્ડકપનો કર્યો ઉલ્લેખ
આ ઉપરાંત કોહલીએ 2011ના વર્લ્ડકપ અંગે પણ ચર્ચા કરી છે. કોહલીએ કહ્યું કે, તે આ વખતે ફેન્સ માટે નવી યાદ બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે, ગત વર્લ્ડકપ જીતની યાદ ખાસ કરીને આઈકોનિક 2011 વર્લ્ડકપ જીતની યાદ આપણા દિલમાં છે અને અમે ફેન્સ માટે નવી યાદગીરી બનાવવા માંગીએ છીએ.
વર્લ્ડકપ પહેલાં કોહલીએ મોટીવેશનને લઈને પણ વાત કરી છે. કોહલીનું માનવું છે કે, લાખો ફેન્સ અમારી પાછળ છે, તેનાથી મોટું મોટીવેશન હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે, એક ક્રિકેટર તરીકે એ જાણવા કરતા વધુ કાંઈ નથી કે, લાખો ફેન્સ તમારી પાછળ ઉભા છે. ફેન્સ તમને સફળતા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
વર્લ્ડકપમાં 8 ઓક્ટોબરે પ્રથમ મેચ રમશે ભારત
ઉલ્લેખનીય છે કે, 5 ઓક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડકપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં રમશે. જે બાદ ટીમ ઈન્ડિયા 11 ઓક્ટોબરે બીજી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ અને 14 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમશે.