- એશિયા કપમાં ભારતીય ટીમની જીત
- વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા સંપૂર્ણ સજ્જ
- ટીમ ઈન્ડિયાએ તમામ સવાલનો આપ્યો જવાબ
એશિયા કપ 2023માં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમે 8મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીત ટીમને વર્લ્ડકપ પહેલાં મોટિવેશન આપનારી છે. ટૂર્નામેન્ટ પહેલાં ભારતીય ટીમ સામે અનેક સવાલ હતા અને વર્લ્ડકપ જીતવો મુશ્કેલ લાગતો હતો, પરંતુ રોહિત શર્માની ટીમે પ્લેઈંગ 11ને લઈ અન્ય સવાલના જવાબ પણ શોધી લીધા છે.
કેએલ રાહુલ સંપૂર્ણ ફિટ
એશિયા કપ પહેલાં ભારતીય ટીમ સામે એ મોટો સવાલ હતો કે, વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ કેટલો ફિટ છે?, પરંતુ આ સવાલનો જવાબ મળી ગયો છે. રાહુલ વિકેટકીપિંગ સાથે રનનો વરસાદ પણ કરે છે. રાહુલે પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં સદી ફટકારી હતી. સાથે શ્રીલંકા અને બાંગ્લાદેશ વિરુદ્ધ પણ મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.
મિડલ ઓર્ડરની સ્થિતિ ક્લીયર થઈ
વર્લ્ડકપમાં ટોપ ઓર્ડર સાથે મિડલ ઓર્ડરનું પરફોર્મન્સ પણ જરૂરી છે. એશિયા કપ પહેલાં મિડલ ઓર્ડરમાં કોણ રમશે, તેને લઈ અસમંજસની સ્થિતિ હતી. જો કે, હવે પ્લેઈંગ 11ના ખેલાડીઓનું નામ લગભગ ક્લીયર જોવા મળી રહ્યું છે. કેએલ રાહુલ વિકેટકીપર તરીકે નંબર 4 અથવા 5 પર રમી શકે છે. સાથે કિશને પણ શાનદાર ઈનિંગ રમી છે. જેથી કિશનનું રમવું પણ નક્કી માનવામાં આવી રહ્યું છે. જો કે, અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવશે, તો કિશન ટીમથી બહાર થઈ શકે છે. કારણ કે, ટીમેમાં કેએલ રાહુલ વિકેટકીપર હશે.
જસપ્રીત બુમરાહ શાનદાર ફોર્મમાં
ભારતીય ટીમના અનુભવી બોલર જસપ્રીત બુમરાહની ફિટનેસને લઈને પણ ટૂર્નામેન્ટ પહેલાં અસમંજસની સ્થિતિ હતી. બુમરાહ લાંબા સમય બાદ વનડેમાં વાપસી કરી રહ્યો હતો. જો કે, તે આ ટૂર્નામેન્ટમાં સંપૂર્ણફિટ જોવા મળ્યો અને 3 મેચમાં બોલથી કહેર વર્તાવ્યો હતો. બુમરાહે આ ટૂર્નામેન્ટમાં 4 વિકેટ લીધી છે.
કુલદીપ યાદવ તમામ પર ભારે
વર્લ્ડકપ માટે જાહેર થયેલી ટીમમાં માત્ર એક જ પ્રોપર સ્પિનરને સામેલ કરવામાં આવ્યો હતો. જેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા હતા. જો કે, કુલદીપ યાદવે સાબિત કરી દીધું કે, તે એકલો શ્રેષ્ઠ છે. કુલદીપે પાકિસ્તાનના 5 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સાથે કુલદીપને પ્લેયર ઓફ ધ સીરિઝનો પણ ખિતાબ મળ્યો હતો.
રોહિત-કોહલીએ બતાવ્યો દમ
ટીમનો કેપ્ટન રોહિત શર્મા ખરાબ ફોર્મ સામે સંઘર્ષ કરી રહ્યો હતો. જો કે, એશિયા કપમાં રોહિત શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. રોહિતે ટૂર્નામેન્ટમાં 3 ફિફ્ટી ફટકારી છે. આવી રીતે ટીમ ઈન્ડિયાએ બોલિંગ સાથે બેટિંગના સવાલના જવાબ પણ આપી દીધા છે. જો કે, હજુ પણ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની ફિટનેસને લઈ અસમંજસની સ્થિતિ છે.